SURAT

ધર્મનંદનના લાલજીભાઈ પટેલે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરવા અંગે શું કહ્યું?, જુઓ વીડિયો…

સુરત(Surat) : વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ અને હીરા ઉદ્યોગની શાન સમાન સુરત ડાયમંડ બુર્સને (SDB) ધમધમતું કરવા માટે નવી કમિટીએ ગ્રાઉન્ડ લેવલે મહેનત શરૂ કરી છે. મહીધરપુરા બાદ કતારગામના હીરા વેપારીઓને બુર્સમાં ઓફિસ શરૂ કરવા સમજાવ્યા છે. હવે આગામી તા. 18 એપ્રિલે બીકેસીમાં (BKC) મિટિંગ કરી મુંબઈના (Mumbai) હીરા વેપારીઓને (Diamond Trader) સુરત આવવા સમજાવાશે.

ગઈ તા. 17 ડિસેમ્બર 2023ના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન થયાનાં ગણતરીના દિવસોમાં SDB ની ઓફિસો સંપૂર્ણ બંધ થયાની ઘટના પછી નવી બનેલી કમિટી સજાગ બની છે. સુરત ડાયમંડ બુર્સની કમિટીનાં સભ્યો એ પણ ઓફિસ શરૂ નહીં કરતા મહિને લાખોના મેઇન્ટનન્સ ખર્ચના નુકસાનથી બચવા શરૂ થયેલી ઓફિસો પણ બંધ કરવાનો વારો આવ્યો હતો.

SDB નાં ચેરમેન તરીકે વલ્લભભાઈ લાખાણીનાં રાજીનામા પછી ભાજપના રાજ્યસભાના સાંસદ અને SRK એમ્પાયારનાં માલિક ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની ટીમે સુકાન સંભાળ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા અને અરવિંદભાઈ શાહ (ધાનેરા ડાયમંડ) એ SDB માં ઓફિસો ખરીદનાર હીરા વેપારીઓને બુર્સમાં ફરી ખેંચી લાવવા એકડે એકથી પ્રયાસો શરૂ કર્યા છે.

મહિધરપુરા હીરા બજાર પછી આ ટીમ તા. 12 એપ્રિલના રોજ કતારગામ ભાતની વાડીમાં પહોંચી હતી. અહીં બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જેમણે ઓફિસો ખરીદી છે, તેમણે જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં ઓફિસો શરૂ કરવા અપીલ કરી હતી. કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણી બુર્સ કમિટીના ચેરમેન હતા ત્યારે બુર્સના કોર કમિટીના 31 સભ્યો પૈકી એક માત્ર વલ્લભભાઈ એ જ ઓફિસ શરૂ કરતાં ઓફિસ ખરીદનારાઓને બુર્સ ચાલશે કે કેમ એ બાબતે શંકા ઊભી થઈ હતી.

જુલાઈમાં એકસાથે 500 ઓફિસ શરૂ કરવાનો નવી ટીમનો ટાર્ગેટ
હવે નવી બુર્સ કમિટીએ જુલાઈ 2024 થી એક સાથે 500 ઓફિસ શરૂ કરવા લક્ષ્યાંક રાખ્યો છે. ગયા સપ્તાહે  સુરતના મોટા ગજાના હીરા ઉદ્યોગકારો અને બુર્સની કોર કમિટીના આગેવાનો લાલજીભાઈ ટી .પટેલ, નાગજીભાઈ સાકરીયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અશેષ દોશી આજે મહિધરપુરા જદાખાડીમાં આવેલા ડાયમંડ વિલેજ બિલ્ડિંગનાં પાર્કિગમાં હીરા વેપારીઓને ઓફિસ શરૂ કરવા સમજાવવા પહોંચ્યા હતા.

તા. 12 એપ્રિલે આ ટીમ કતારગામ નંદુ  ડોશીની વાડી નજીક ભાતની વાડી ખાતે વેપારીઓ સાથે બેઠક યોજવા પહોંચી હતી. અહીં SDB નાં વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,સુરત ડાયમંડ બુર્સ માં વ્યાપાર શરુ કરવા માટે મહિધરપુરા હીરા બજાર અને કતારગામ હીરા બજારનો  જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 1 જુલાઈએ ધર્મનંદન ડાયમંડ અને 7 જુલાઈએ SRK એક્સપોર્ટ SDB માં પોતાની ઓફિસ શરૂ કરશે.

કતારગામના હીરાના વેપારીઓએ બુર્સમાં કામકાજ શરૂ કરવા વચન આપ્યું
સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરુ થાય તે માટે તા. 12 એપ્રિલના રોજ કતારગામ ભાતની વાડી ખાતે SDB નાં આગેવાનોએ  બેઠક યોજી હતી. જેમાં કતારગામના 40 ફેન્સી ડાયમંડના વેપારીઓની જુલાઈમાં ઓફિસ શરૂ કરવાની ખાતરી આપી હતી. આ અગાઉ તા. 04/04/2024 ના રોજ  મહિધરપુરા હીરા માર્કેટમાં (મોટી બજાર)માં  મિટિંગ યોજાઈ હતી.

જેમાં મહિધરપુરા હીરા બજારના મોટા વેપારીઓ, હીરા દલાલ અને નાના વેપારીઓ  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત ડાયમંડ બુર્સ ઓફિસ ધરાવનાર અહીંના વેપારીઓએ એક જ અવાજે જૂન-2024 માં માર્કેટ શરુ કરવાની બાહેંધરી આપી હતી.

આ મિટિંગમાં સુરત ડાયમંડ બુર્સની કમિટી તરફથી ચેરમેન  ગોવિંદભાઇ ધોળકિયા, વાઇસ ચેરમેન  લાલજીભાઈ પટેલ, પ્રેસિડેન્ટ અરવિંદભાઈ શાહ(અજબાણી), પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વાઇસ પ્રેસિડેન્ટ  નાગજીભાઈ સાકરીયા, વાઇસ પ્રેસિડેન્ટ  અશેષભાઈ દોશી હાજર રહ્યા હતા.

વીડિયો મેસેજમાં લાલજી પટેલે કહ્યું, એકસાથે 400-500 વેપારી બુર્સમાં કામ શરૂ કરે તેવું આયોજન
સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું સૌથી મોટું બિલ્ડિંગ સુરતમાં બન્યું છે. વડાપ્રધાને તા. 17 ડિસેમ્બરે ઉદ્દઘાટન કર્યું છે. હવે બુર્સને ધમધમતું કરવા અમારી તૈયારી થઈ ચૂકી છે. મહિધરપુરામાં થોડા સમય પહેલાં નાના-મોટા વેપારીઓ સાથે મિટિંગ મળી હતી, જેમાં વેપારીઓએ ફર્નિચર તૈયાર થયા છે અને ટૂંકમાં બુર્સમાં કામ શરૂ કરવા તૈયારી ખાતરી છે.

મહીધરપુરા, મીનીબજારની ઓફિસો એકસાથે બુર્સમાં ટ્રાન્સફર થઈ શકશે. આ ઉપરાંત ચોકી, માર્કીસ, ફેન્સીના 250 વેપારીના ગ્રુપે ઓફિસ શરૂ કરવા તૈયારી બતાવી છે. ગોવિંદ ધોળકીયા 7મી જુલાઈ અને ધર્મનંદનની 1 જુલાઈએ બુર્સમાં ઓફિસો શરૂ થશે. એકસાથે 400-500 વેપારીના લેટર સાથે તારીખ નક્કી કરાશે અને તે જ તારીખે એક સાથે બુર્સમાં ઓફિસો શરૂ થશે. જેથી લે-વેચ કરનારા તમામ વેપારીઓ એકસાથે કામકાજ શરૂ કરી શકશે. આ ઉપરાંત 18મી એપ્રિલે મુંબઈ બીકેસીમાં મિટિંગ છે. મુંબઈના વેપારીઓ પણ એક ચોક્કસ તારીખે સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ કરવા ઉત્સાહિત છે. 

Most Popular

To Top