રશિયા: (Russia) રશિયાના તાતારસ્તાનના મેન્ઝેલિન્સ્ક શહેરમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ હતી. મોસ્કોના સમય અનુસાર સવારે 9.11 વાગ્યે અહીં એક એરોક્લબ વિમાન ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતુ, જે બે એન્જિનવાળું શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ (Aircraft) છે. વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. ઇમરજન્સી સર્વિસે સ્પુટનિકને જણાવ્યું કે 7 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના 16 જીવિત હોવાના કોઈ સંકેત નથી. કટોકટી મંત્રાલયે કહ્યું કે વિમાનમાં પેરાશૂટ ડાઈવર્સ સવાર હતા. સ્થાનિક આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સાત ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વિમાનમાં 23 લોકો હતા, જેમાંથી 21 પેરાશૂટ ડાઈવર્સ (Parachute divers) હતા. ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23 માંથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોને પણ બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રશિયામાં વિમાનની સુરક્ષાના માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં હજી કેટલાક દૂરના વિસ્તારોમાં જુના વિમાનોમાં દુર્ઘટનાનું પ્રમાણ ઘટ્યું નથી.
આ અગાઉ એક એન્ટોનોવ An-26 પરિવહન વિમાન ગયા મહિને રશિયાના દૂર પૂર્વમાં ક્રેશ થયું હતું, જેમાં છ લોકોના મોત થયા હતા. તે જ સમયે, આ વર્ષે જુલાઈમાં, કામટોકામાં એન્ટોનોવ એન -26 ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ પર સવાર તમામ 28 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી અનુસાર એલ-410 ટર્બોલેટ પ્લેન જુનું હોવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.