સુરત-અમદાવાદ: હિટ એન્ડ રન (Hit&Run) અકસ્માત (Accident) કાયદામાં (Law) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી કડક જોગવાઈના પગલે દેશભરમાં ટ્રકચાલકો હડતાળ (TruckDriversStrike) પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ ટ્રક ચાલકોની હડતાળની માઠી અસર પડી છે. સુરતમાં સિટી બસ સેવા પણ બંધ થઈ ગઈ છે. ટ્રક ચાલકોની હડતાળના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. પેટ્રોલ ડીઝલ, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક ખુટવા લાગ્યો છે.
વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો સમયસર પહોંચ્યો નથી. તેથી વેપારીઓની ચિંતા વધી છે. હાલમાં સ્ટોક છે, પરંતુ નવો સ્ટોક સમયસર નહીં આવે તો હાલાકી થઈ શકે છે એમ વડોદરા સ્થિત હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું. મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે.
આ તરફ ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં ખાસ અસર જોવા મળી નથી. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રક ડ્રાઈવર્સની સ્ટ્રાઈકના લીધે પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટી રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે તેના સંદર્ભમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે.
વિગતો મુજબ અમદાવાદ સ્થિત પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે, જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો. સુરતના પેટ્રોલ પંપ સંચાલક સુરેશભાઈએ કહ્યું કે, ડીલર્સની ગાડીઓ દોડી રહી છે. રોજ પેટ્રોલ ડીઝલ ભરાઈ રહ્યું છે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. સુરત શહેર જિલ્લામાં ઈંધણનો પૂરતો સ્ટોક છે.