બોરસદ : પેટલાદના ભવાનીપુરામાં રહેતા વ્હેમીલા શખ્સે તેની પત્ની પર ખોટા શક વહેમ રાખી તનુ મને ગમતી નથી. તેમ કહી અપશબ્દ બોલી ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવતી રહી હતી અને પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. બોરસદના વહેરા ગામમાં રહેતા કિંજલબહેન રમણભાઈ ઠાકોરના લગ્ન પેટલાદના ભવાનીપુરા ખાતે રહેતાં ગોવિંદ ભીખા સોલંકી સાથે 13મી મે,2019ના રોજ થયાં હતાં. આ લગ્ન બાદ કિંજલબહેન સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.
જોકે, સાસરીમાંથી જેઠ – જેઠાણી, સાસુ તથા પતિ ત્રણેક વર્ષ સુધી સારી રીતે રાખ્યું હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે, પતિ ગોવિંદને કુટુંબી જેઠાણીની ભત્રીજી સાથે આડા સંબંધ છે. આથી, કિંજલબહેને વિરોધ કરી ગોવિંદને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમે નિતુ સાથે સંબંધ છોડી દો.તો જ હું તમારી સાથે રહીશ. આથી, ગોવિંદ ઉશ્કેરાઇ ગયો હતો અને તું મને ગમતી નથી, તું કાળી છે. તેમ કહી અપશબ્દ બોલી મ્હેણાં ટોણા મારતો હતો.
આ ઉપરાંત ઉલટાંનું ખોટા શક – વહેમ રાખી મારઝુડ કરવા લાગ્યો હતો. અલબત્ત આ બાબતે સાસુ – સસરાએ કિંજલનો પક્ષ લઇ ગોવિંદને ઠપકો પણ આપ્યો હતો. તેમ છતાં કોઇની વાત માનતો ન હતો અને શારીરિક – માનસિક ત્રાસ આપતો હતો. આખરે કંટાળી કિંજલબહેન તેના પિતાના ઘરે વહેરા ગામે આવતા રહ્યાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ગોવિંદ ભીખા સોલંકી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.