નડીયાદ: ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પીપલગ ચોકડીએ વોચ ગોઠવીને પેટલાદના રીઢા ઘરફોડીયાને ચોરીના ૧૬.૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને અંજાર તાલુકાના મેઘપરબોરીયા વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ખેડા એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ધર્મપાલસિંહ અને ઋતુરાજસિંહને માહિતી મળી હતી કે, પેટલાદનો રીઢો ઘરફોડીયો જયેશભાઈ ઉર્ફે રાજુ મોહનભાઈ મેઘજીભાઈ પટેલ વેગન આર ગાડીમાં પીપલગ ચોકડીએ આવવાનો છે જેથી પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન વેગનઆર નંબર જીજે-૨૩, એ-પ૬૬૦માં જયેશ ઉર્ફે રાજુ આવી ચઢતાં પોલીસે કારને રોકીને તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કારની તલાશી લેતાં અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડા ૧૫ હજાર તેમજ મોબાઈલ ફોન વગેરે મળીને કુલ ૧૬.૩૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.
જેથી તેને એલસીબી ઓફિસે લાવીને કડક પુછપરછ કરતાં પાંચેક દિવસ પહેલા તેણે કચ્છ-પૂર્વ ગાંધીધામ જીલ્લાના અંજાર તાલુકાના મેઘપરબોરીયા વિસ્તારમાં આવેલ ઓધવ રેસીડન્સીમાં આવેલ એક બંધ મકાનમાંથી દિવસ દરમ્યાન દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી જે પૈકીનો મુદ્દામાલ હોવાનું તેમજ તે વેચવા માટે આવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે કાર સાથે કુલ ૧૭.૬૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જસ કરીને વધુ તપાસ માટે નડીઆદ પશ્ચિમ પોલીસના હવાલે કર્યો હતો.