રહેઠાણના યા ધંધાના સ્થળે ઉધઇ, વંદા વગેરે જીવ-જંતુઓનો ઉપદ્રવ ટાળવા અથવા થયો હોય તો અંકુશિત કરવા માટે પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરી આપતી અનેક ધંધાદારી વ્યકિતઓ/સંસ્થા કાર્યરત છે. આવી પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પણ જો ઉધઇ યા અન્ય જીવ-જંતુઓ ફરી જણાય તો શું પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ પૂરી પાડનાર વ્યકિત, સંસ્થા સેવામાં ખામી બદલ જવાબદાર ગણાય? આવો એક રસપ્રદ વિવાદ ઠેઠ સર્વોચ્ચ ગ્રાહક અદાલત એટલે કે નેશનલ કમિશન સુધી પહોંચ્યો હતો. ફ્રન્ટિયર પેસ્ટ કન્ટ્રોલ લિ. વિરુદ્ધ પ્રદીપ મહેતાના આ કેસમાં બન્યું એવું હતું કે પ્રદીપ મહેતા (મૂળ ફરિયાદી)એ પોતાના ઘરમાં એન્ટી-ટર્માઇટ ટ્રીટમેન્ટ કરવા માટે ફ્રન્ટિયર પેસ્ટ કન્ટ્રોલ લિ. (મૂળ સામાવાળા) સાથે કરાર કર્યો હતો.
મજકૂર એન્ટી ટર્માઈટ ટ્રીટમેન્ટ માટે સામાવાળાએ માંગ્યા મુજબની ફી રૂા. ૫,000/ ફરિયાદીએ સામાવાળાને ચૂકવી હતી. ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ફરિયાદીનું ઘર 5 વર્ષ માટે ઉધઈથી મુકત રહેશે એવું આશ્વાસન સામાવાળા દ્વારા અપાયું હતું. જો 5 વર્ષ પૂરાં થતાં પહેલાં ઘરના કોઈ ભાગમાં ઉધઈ ફરીથી જણાય તો તેવા અસરગ્રસ્ત હિસ્સામાં કોઈ પણ વધારાનો ચાર્જ લીધા વિના ફરીથી ટ્રીટમેન્ટ કરી આપવાની બાંહેધરી પણ સામાવાળાએ આપી હતી પરંતુ કમનસીબે સામાવાળા પાસે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ થોડા સમયમાં ફરિયાદીના ઘરમાં ફરીથી ઉધઈ જણાઈ હતી. ફરિયાદીએ તે અંગે ફરિયાદ કરતાં સામાવાળાએ ઉધઈથી અસરગ્રસ્ત ભાગમાં ફરી ૩-૪ વાર ટ્રીટમેન્ટ આપી હતી પરંતુ તે પણ નિષ્ફળ નીવડી હતી. ફરિયાદીના ઘરની લાકડાની ફ્રેમો ઉધઈ વ્યાપકપણે પ્રસરી જવાને કારણે નુકસાની પામી હતી.
જેથી, ફરિયાદીએ સામાવાળાની સેવામાં ક્ષતિ ઉપસ્થિત થઈ હોવાનું જણાવી જિલ્લા ફોરમમાં સામાવાળા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી વળતર અપાવવાની દાદ માંગી હતી. | જિલ્લા ફોરમે ફરિયાદીના ઘરમાં સામાવાળાની સેવામાં ગંભીર ખામી ઉદભવી હોવાનું ઠરાવી લાકડાના ભાગોને થયેલ નુકસાન બદલ વળતરના રૂ. ૧ લાખ તથા માનસિક ત્રાસ અને કાર્યવાહીના ખર્ચ માટે બીજા રૂ. ૨૧OO/- ફરિયાદીને ચૂક્વવાનો સામાવાળાને હુકમ કર્યો હતો. જિલ્લા ફોરમના મજકૂર હુકમથી નારાજ સામાવાળાએ સ્ટેટ કમિશન સમક્ષ ફાઈલ કરેલ અપીલ સ્ટેટ કમિશને ફગાવી દેતાં સામાવાળાએ નેશનલ કમિશન સમક્ષ રીવીઝન પીટીશન નોંધાવી હતી.
નેશનલ કમિશનના પ્રિસાઈડીંગ મેમ્બર અનુપમ દાસગુપ્તા તથા મેમ્બર સુરેશચંદ્રની બેન્ચે પણ એન્ટી ટર્માઈટ ટ્રીટમેન્ટ કરાવવા છતાં ફરી ફરીને ઉભરેલ ઉધઈથી ટ્રીટમેન્ટ બિન અસરકારક રહી હોવાનું અને તેને કારણે ફરિયાદીને નુકસાન થયેલ હોવાનું પુરવાર થતું હોવાનું ઠરાવી, જિલ્લા ફોરમનો ફરિયાદીને રૂ. ૧ લાખનું વળતર તથા રૂ. ૨૧OO/- માનસિક ત્રાસ | કાર્યવાહી ખર્ચ માટે આપવાનો સામાવાળાને આદેશ આપતો હુકમ કર્યો હતો અને સામાવાળાની રીવીઝન પીટીશન રદ કરી હતી. સબબ, પેસ્ટ કન્ટ્રોલની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ જો જંતુઓ ફરીથી જણાય અને તેને કારણે જો ગ્રાહકને નુકસાન થાય તો તે બદલ નુકસાન વળતર ચૂકવવા પેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરનાર એજન્સી જવાબદાર બનશે