વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર 9 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.તેવી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે.છતાં પણ આધાર કાર્ડના કોન્ટ્રાકટના કર્મચારીઓ મનસ્વી રીતે કામ કરી રહ્યા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. વૈશ્વિક કોરોના મહામારી બાદ હવે વોર્ડ કક્ષાએ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે.તેમાં નવા આધાર કાર્ડની સાથે આધાર કાર્ડમાં સરનામું ,નામ કે અટક પછી કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેમાં સુધારો કરવા માટે લોકોની ભારે ભીડ વોર્ડ ઓફિસોમાં જામતી હોય છે.
વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડ કઢાવવા માટે સવારે જઈને ટોકન લેવું પડે છે.અને ત્યાર બાદ ફોર્મ ભરીને આપવાનું હોય છે. અને તેમાં લાંબો સમય નીકળી જાય છે.એટલું જ નહીં ઘણી વખત કોઈ કર્મચારી ગેર હાજર હોય તો અન્ય કર્મચારી ફરજ પર નહીં હોવાથી આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ધક્કા ખાવા પડતા હોય છે.વોર્ડ નંબર 9 માં ગુરુવારે સવારે આધાર કાર્ડની કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારી ગેર હાજર હોવાથી સ્થાનિક લોકોને આધાર કાર્ડ માં જે ફેરફાર કરવાનો હતો.તે થઈ શક્યો ન હતો. એટલું જ નહીં સવારથી ટોકન લેવાની જે પ્રથા રાખવામાં આવી છે.તે અંગે પણ કેટલાક અરજદારોએ રોષ વ્યકત કર્યો હતો.