Business

વળતરની રાજનીતિમાં અટવાતી પ્રજા

કોરોનાથી થયેલા મૃત્યુને કેન્દ્રે વળતર આપવાની સ્પષ્ટ ના કહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રજૂઆત સુપ્રીમ કોર્ટમાં થઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશનના જવાબમાં કેન્દ્રે આવો જવાબ વાળ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સામાન્ય રીતે કુદરતી આપદામાં વળતરનો જે નિયમ લાગુ થાય છે તે મહામારી દરમિયાન શક્ય નથી. મહામારી એ ‘વન ટાઇમ ડિઝાસ્ટર’ નથી તેવું કેન્દ્રે કહ્યું છે. કોરોના દરમિયાન જેમનાં મૃત્યુ થયાં છે તેઓને વળતર કેમ ન મળે તે માટે કેન્દ્રે અભ્યાસ કરીને સારી એવી દલીલો શોધી કાઢી છે.

આ દલીલો રજૂ કરીને કેન્દ્ર કહે છે કે, “સામાન્ય રીતે કુદરતી આપદા ટૂંકાગાળાની અને સીમિત ક્ષેત્રમાં હોય છે, જેનો તુરંત અંત આવે છે. કોવિડ-19 વૈશ્વિક મહામારી છે ને ભારતમાં અત્યાર સુધી તેનાથી 3.85 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે અને હજુ પણ તેની સંખ્યા વધી રહી છે. કોરોનાએ તમામ વર્ગના પરિવારોને અસર કરી છે. શ્રીમંત અને ગરીબ, પ્રોફેશનલ્સ અને ઇન્ફોર્મલ વર્કર્સ, વેપારી અને ખેડૂત. આ કિસ્સામાં મર્યાદિત રીતે મદદ કરવી તે યોગ્ય નથી. આમ પણ મહિનાઓ અને વર્ષો સુધી ચાલનારી આપદા સામે વળતર આપવાની કોઈ જોગવાઈ નથી”

વળતર ન આપવા માટે કેન્દ્ર સરકારે આ ઉપરાંત અપૂરતા ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો છે. અને શક્ય છે કે સરકાર વળતર આપવાની ના પાડી રહી છે તેમાં આ એક માત્ર કારણ હોય. પરંતુ સરકારે સુપ્રીમ સામે રજૂઆત એ રીતે કરી છે જાણે કોઈ પણ હિસાબે કોવિડથી મૃત્યુ પામનારાઓને વળતર ન મળી શકે. સરકારે આ માટે 189 પાનાંની એફિડેવિટ રજૂ કરી છે. આ એફિડેવિટ ગૃહ મંત્રાલયના હવાલેથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. આ એફિડેવિટમાં કેન્દ્ર સરકાર જણાવે છે કે, “2020ની શરૂઆતમાં આ મહામારીની શરૂઆત થઈ અને હજુ પણ દેશ મહામારીની અલગ-અલગ પ્રકારની તીવ્રતા, વિવિધ લક્ષણો ને અલગ-અલગ વેરિઅન્ટ સામે લડી રહ્યો છે. તેનો સંભવિત અંત દેખાતો નથી.” સરકાર પ્રજા વિશે શું વિચારે છે તે પણ આ એફિડેવિટમાં ફલિત થતું દેખાય છે.

સરકાર દ્વારા અપાતું વળતર જાહેર થયા પછી પણ મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેઓએ સરકારનું વળતર મેળવ્યું છે તે પૂરી પ્રક્રિયાથી માહિતગાર હશે. કોરોનાકાળમાં સૌથી મોટો પડકાર એ છે કે જે વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે તેની કોરોનાના મૃત્યુમાં ગણના કરવાની. કોરોનાના વળતર અર્થે સુપ્રીમમાં રજૂઆત કરતી વેળાએ કેન્દ્રે તર્ક-દલીલોનો તો સહારો લીધો જ પણ સાથે સાથે કેન્દ્ર-રાજ્યોની આર્થિક સ્થિતિ દર્શાવી. કેન્દ્રે આ વિશે કહ્યું છે : “રાજ્ય સરકારનું ડિઝાસ્ટર રિસ્પોન્સ ભંડોળ આ રીતે વળતર આપવામાં ખર્ચાઈ જશે તો રાજ્યો પાસે કોરોના સામેની લડાઇ માટે પૂરતું ભંડોળ રહેશે નહીં. આ ભંડોળ જ કોરોનામાં જરૂરી મેડિકલ સુવિધા અને અન્ય માંગોને પૂરી કરવામાં ઉપયોગ કરવાનું છે અથવા તો રાજ્યોમાં આવતાં વાવાઝોડું, પૂર જેવી આપદાઓમાં ઉપયોગમાં લેવાનું છે.”

એફિડેવિટમાં એ પણ જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહામારીના કારણે સ્વાસ્થ્ય સુવિધા ઝડપથી મળી રહે તે માટે કેન્દ્રે અગાઉ જ અનેક ટેક્સને ઘટાડ્યા છે. વળતર ન આપવા માટે કેન્દ્રે રાજ્ય સરકાર વતી પણ દલીલો અહીંયા રજૂ કરી દીધી છે. જો કેન્દ્રની આર્થિક સ્થિતિ આટલી જ નબળી થઈ ચૂકી છે અને તેનું ભાન તેમને છે તો જે કેટલાંક પ્રોજેક્ટ ધમધોકાર અત્યારે ચાલી રહ્યા છે તેને અટકાવી શકાયા હોત.

આ પ્રોજેક્ટમાં સેન્ટ્રલ વિસ્ટાનું નામ તો આવે જ પણ કેટલાક એવા પ્રોજેક્ટ છે  જે પ્રજાની ઉપયોગિતા માટે નહીં પણ દેશે કેટલો વિકાસ કર્યો છે તે દાખવવા માટે નિર્માણ પામી રહ્યા છે. જેમ કે બુલેટ ટ્રેન, કેટલાંક શહેરોની મેટ્રો ટ્રેન કે પછી અન્ય બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ. કેન્દ્ર સરકાર નબળી આર્થિક સ્થિતિ માટે આંસુ સારી રહી છે; તેઓએ માત્ર ત્રણ હજાર કરોડ રૂપિયા કોવિશિલ્ડ બનાવતી સિરમ કંપનીને ન આપ્યા અને વેક્સિનેશન કાર્યક્રમને અસ્તવ્યસ્ત કરી દીધો. ટૂંકમાં કમી નાણાંની નહીં પણ યોગ્ય આયોજન અને દાનતનો અભાવ છે.

કેન્દ્ર સરકારની પ્રાથમિકતામાં પ્રજા સર્વોપરી હોત તો એફિડેવિટની રજૂઆત આ રીતે ન થઈ હોત. એક કારણ તો એમ અપાયું છે કે “કોઈ એક બીમારીમાં વળતર આપવું અને અન્ય બીમારીમાં ન આપવું તે વ્યક્તિગત અન્યાય અને ભેદભાવ થશે.” પહેલાં તો જ્યાં ભેદભાવ થાય છે ત્યાં કેન્દ્રનું વલણ હંમેશાં આવું હોતું નથી. પોતાની અનુકૂળતા મુજબ ભેદભાવની વ્યાખ્યા કરવી તે કોરોના દરદીઓ સાથેનો અન્યાય છે.

કેન્દ્રનું કહેવું છે કે તેઓએ કોરોના સામેની લડાઈમાં ‘વ્યાપક દૃષ્ટિકોણ’ રાખ્યો છે અને આ જ દૃષ્ટિકોણ વધુ વિવેકી, જવાબદારીભર્યો અને ટકાઉ છે. કેન્દ્ર કોરોના વળતરની ના કહી રહી છે તે અંગે રાજ્યો પણ વિચાર-અમલ કરી રહ્યાં છે. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ હાલમાં કોરોનાના મૃત્યુ પર એક લાખનું વળતર ચૂકવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર જે પત્રકારો કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામ્યા તેઓને દસ લાખનું વળતર આપે છે.

ફ્રન્ટ લાઈન મેડિકલ વર્કર્સના  મૃત્યુને લઈને અનેક રાજ્ય સરકારોએ વળતર જાહેર કર્યું છે. પણ સામાન્ય પ્રજાને વળતરને મામલે અત્યારે કોઈ પણ રાજ્ય સરકારની પહેલ દેખાતી નથી. મહારાષ્ટ્રમાં પદ્ધતિસરનું વળતરનું માળખું ગોઠવાયું એમ લાગે છે. જેમ કે ફ્રન્ટ લાઇન વર્કર્સ, પોલીસ મેન અને અન્ય સરકારી નોકરી કરનારાઓ માટે વળતરનું કવચ મહારાષ્ટ્ર સરકારે આપ્યું છે.

એ જ પ્રમાણે જે બાળકોએ પોતાનાં માતા-પિતા કોરોનામાં ગુમાવ્યાં હોય તેઓને પણ મહારાષ્ટ્ર સરકારે પાંચ લાખનું સુરક્ષાકવચ આપ્યું છે. ઉપરાંત તેમના શિક્ષણની જવાબદારી પણ ઉઠાવી છે. મહારાષ્ટ્રની જેમ કેરળે પણ આવી વિશેષ સુરક્ષાકવચ કોરોનાકાળ દરમિયાન અનાથ થયેલાં બાળકોને આપ્યું છે. તે પછી અન્ય રાજ્ય સરકારે આવી જાહેરાતો કરી છે. જો કે આમજનતા કોરોનામાં મૃત્યુ પામે તો તેને વળતર આપવાની જાહેરાત મહારાષ્ટ્ર કે કેરળ સરકારે પણ કરી નથી.

દિલ્હી સરકાર વળતર આપવામાં સંવેદનશીલ અને વ્યવહારુ દેખાઈ રહી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાના જે દરદીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે તેઓને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. આ માટે દિલ્હી સરકારે ચાર સભ્યોની કમીટિનું પણ ગઠન કર્યું છે જેઓ વળતર ચૂકવવું કે નહીં તે માટેની તપાસ કરશે. વળતર આપવાને લઈને કર્ણાટક સરકારનું વલણ પણ માનવતાભર્યું છે.

જ્યારે દેશની અન્ય કોઈ સરકાર ન્યાયિક વળતર આપી નથી રહી ત્યાં કર્ણાટક સરકારે  ગરીબી રેખાની નીચેના પરિવારોમાં જો કોઈ કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તો તેઓને એક લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ એવી જાહેરાત થઈ છે કે પરિવારના કમાનાર સભ્ય જો મૃત્યુ પામે તો કેન્દ્ર વળતર ચૂકવશે.  કોરોનાથી થયેલું નુકસાન જંગી છે. જે દેખીતું નુકસાન છે તેનું જ વળતર સરકાર પાસે માંગી શકાય. કેટલુંક નુકસાન તો પ્રત્યક્ષ દેખાય તેમ પણ નથી. જે પરિવારોએ સ્વજનો ખોયા છે તેઓને વળતર ચૂકવવાથી જ સાંત્વના આપી શકાય. વડા પ્રધાને આંસુ સારીને જે સાંત્વના આપી હતી, તે સ્વજન ગુમાવનારાઓ માટે કોઈ જ રાહત આપી શકશે નહીં.

આ સિવાય જેઓએ વેપાર ખોયો, નોકરીઓ ગુમાવી અને નુકસાનીમાં ડૂબ્યા તેઓના વળતરની તો વાત સુદ્ધાં થતી નથી. દેશમાં અનેક પરિવારો કોરોનાથી વેરવિખેર થઈ ચૂક્યા છે, તેઓનું તો હજુ આકલન પણ બાકી છે. પશ્ચિમના ને વિકસિત દેશોમાં કોરોનાથી નુકસાન થયું છે પણ હજુ પણ ત્યાંની પ્રજાને સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો નથી. જ્યારે ગરીબ અને અલ્પવિકસિત દેશો અગાઉથી જ અનેક પ્રશ્નોના સામનો કરતાં હોય છે અને હવે કોરોનાએ તેમનું જીવન દોજખ જેવું બનાવ્યું છે. ભારત સહિત અનેક દેશોમાં રાજકીય પદાધિકારીઓ દ્વારા થયેલાં અણધડ આયોજનથી પણ પ્રજાએ વધુ ગુમાવવાનું આવ્યું છે. કોરોનામાં જેઓએ સર્વસ્વ ગુમાવ્યું છે તેઓને સરકાર દ્વારા વળતર મળવું જોઈએ. વળતર આપવામાં જે જરૂરિયાતમંદ વર્ગ છે તેઓને ધ્યાનમાં રાખવા જોઈએ અને તેમ થાય તો જ તેમના દુઃખમાં સરકારની સાંત્વના વર્તાય.

Most Popular

To Top