Business

એક છત્રી ઔર હમ દો!

બહુ તપસ્યા કરાવીને અંતે સવારમાં વરસાદ ધોધમાર વરસી પડ્યો. ‘ચાલને પલળવા જઇએ…ગરમાગરમ મકાઇ કે લોચો ખાઇ આવીએ! ‘ શોભાના કહેવા પર તરત જ પ્રયાણામ કરતો ગોપાલ ઉભો થઇ ગયો.  ‘મને તો કયારનું મન થયું હતું પણ મને એમ કે તું કદાચ ના પાડીશ.‘ ‘બોલો લો….મેં કદી ના પાડી છે?‘ શોભાએ ગોપાલ સામે આંખો કાઢી એટલે ગોપાલને પોતાનો બચાવ કરવાનું બહાનું મળી ગયું.

‘જો તું આવી આંખો કાઢે ને એટલે જ હું બોલતો નથી.‘ જવાબમાં શોભા ખડખડાટ હસી પડી. ગોપાલે બે ના બદલે એક છત્રી જ લીધી. તે જોઇને મલકી. ‘હવે વરસાદમાં પલળવાનું જ હોય તો પછી બે છત્રીની જરૂર નથી….આમ તો એક ય ન લઉં…પણ તારું માથું પલળે અને તને છીકાંછીક થઇ જાય તો લોકોમાં નાસભાગ થઇ જાય….‘ પોતાની મજાક પર ગોપાલ ખડખડાટ હસ્યો એમાં શોભા પણ ભળી. વરસાદનું જોર વધું હતું એટલે રસ્તા પર પાની ડૂબે તેટલાં પાણી ભરાઇ ગયા હતા. શોભાએ નાનાં છોકરાની જેમ પાણીમાં પગથી છબછબિયાં કર્યા. એણે પગથી જ ગોપાલ તરફ પાણીની છાલક ઉડાવી. પછી ગોપાલ બાકી રહે. શોભાએ બે હાથમાં વરસાદનું પાણી ઝીલીને પીધું.

‘અરે આ પ્રદુષિત પાણી હોય…બે ચાર વરસાદ થાય પછી વરસાદનું પાણી પિવાય…‘શોભાને એમ કરતાં ગોપાલે રોકી. ‘આપણે એટલાં પ્રદુષણમાં રહીએ છીએ એટલે આપણને કાંઇ ન થાય..‘ બન્ને વાત–આનંદ કરતાં કરતાં મેઇન રોડ પર આવ્યા. ફૂટપાથ પર ચાલતાં ચાલતાં વરસાદની મજા માણતાં હતા. સ્કૂલ કોલેજ હજુ મહામારીને કારણે ખૂલ્યાં નથી એટલે રસ્તા પર ટ્રાફિક નહિવત હતો. આટલાં વરસાદમાં કોણ નવરું હોય જે ઘર બહાર નીકળે. ચાલતાં ચાલતાં બન્ને ગાર્ડન નજીક આવ્યા. લોચા વાળાની દુકાન ખુલ્લી દેખાય.

‘જો તારી મકાઇ તો દેખાતી નથી. પણ લોચાવાળાને બોણી થઇ હોય તેમ લાગતું નથી. ચાલ આપણે જ શરુઆત કરીએ….‘ ગરમાગરમ લોચાની પ્લેટ જોઇને ગોપાલ અને શોભા ખુશ થઇ ગયા. પહેલી બારીશ, સાથમાં હમસફર અને ગરમાગરમ લોચાની પ્લેટ…ફીર જીને કો ક્યાં ચાહીએ! ત્યાં શોભાને રડવાનો અવાજ સંભળાયો. આટલાં વરસાદમાં આ અવાજ ક્યાંથી આવ્યો?

શોભાએ આજુબાજુમાં નજર ઘુમાવી તો ગાર્ડનના દરવાજાના ફૂટપાથ પાસે કામ ચલાઉં ઝૂંપડું બાંધેલું હતું. એક આદમી ત્યાં ખાટલામાં બેઠો હતો. એક ઔરત બીચારી ઉભડક પગે વરસાદમાં પલળતી ઝૂંપડાંની બહાર બેઠી બેઠી રડતી હતી. પેલો ગુસ્સામાં બોલતો હતો. પણ વરસાદના જોરના કારણે એના શબ્દો શોભાને સમજાતા ન હતા. પણ એનું દિલ દ્રવી ગયું. બાઇ બિચારીને ઝૂંપડામાં અંદર તો આવવા દેવી જોઇએ ને!

  • ‘તું પૂરું કર…હું આવી…‘ શોભા પેલાં ઝૂંપડાંની દિશામાં આગળ વધી એટલે લોચાવાળો બોલ્યો,
  • ‘મેડમ રહેવા દો…આવા લોકના મામલામાં પડવા જેવું નથી…‘
  • ‘મામલો શું છે તે જાણવું તો જોઇએ ને!‘
  • શોભાને ઝૂંપડાં પાસે આવતી જોઇને પેલો આદમી ખાટલાં પરથી ઉભો થઇ ગયો. ઔરતે પોતાના આંસુ ખાળવાનો પ્રયત્ન કર્યો. એ જોઇને શોભા સમજી ગઇ કે મામલો ગમે તે હોય બાઇ પ્રામાણિક છે.
  • ‘બહેન ક્યું રો રહે હો આપ?‘ શોભના માનવાચક શબ્દો સાંભળીને પેલી બાઇ રડવાનું ભૂલીને આશ્ચર્યથી એને જોઇ રહી.
  • ‘કુછ નહી…ઐસે હી…‘ પેલીએ પોતાની નજર નીચી કરી દીધી. એનો વર અકળાયો.

‘કુછ ભી મામલા હો આપ કો ક્યાં?‘ એની તોછડાઇને ગણકાર્યા વિના શોભાએ પેલી ઔરતને કહ્યું, ‘તું ખડી હો જા..ઔર અંદર ચલી જા. બિમાર પડ જાયેગી.‘ શોભાએ એને ધ્યાનથી જોઇ એટલે ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રી પ્રેગ્નેન્ટ છે. પેલી અસમંજસમાં પડી. એણે એના વર સામે જાણે પરવાનગી માંગતી હોય તેમ જોયું. પણ પેલો રીઢો એમ પીગળતો હશે!  ‘મેડમ યે મેરી બીવી હેં….ઉસકે સાથે મેં જો ભી કરું…તુમ્હે ક્યાં?‘ શોભા બખૂબી જાણતી હતી કે આવા લોકો સાથે કેમ પનારો પાડવો. એણે પોતાના ખિસ્સામાંથી વોલેટ કાઢીને પોતાનું ફ્રેન્ડસ ઓફ પોલિસનું કાડ કાઢયું.

  • ‘યે દેખ..મેં પોલિસ કી મિત્ર હું… અબ બતાં ક્યાં મામલા હે? ઓર સબ સે પહેલે તેરી બિવિકો અંદર લે…ફીર તેરી બાત સૂનુંગી.‘
  • પેલાએ ના મરજીથી પોતાની પત્નીને અંદર આવવા દીધી. પેલી સ્ત્રી હવે ધ્રુજતી હતી. ત્યાં ગોપાલ લોચો પતાવીને આવી ગયો. શોભાએ એને એક લોચો લઇ આવવા કહ્યું.
  • ગોપાલ લોચો લઇને આવ્યો અને શોભાએ પેલી સ્ત્રીને આપ્યો.
  • ‘લે ખા લે… ગરમી આયેગી…‘
  • પેલીએ ફરી પેલાની સામે જોયું. પણ પોલિસના નામથી ઢીલો પડી ગયો હતો એટલે કશો વિરોધ ન નોંધાવ્યો.

શોભા ત્યાં સુધી ઝૂંપડાનું નિરિક્ષણ કરતી હતી. એક ખૂણામાં ચૂલો બનાવ્યો હતો. બે ચાર પ્લાસ્ટિકના ડબ્બા. બે ચાર ટીનના વાસણ. એક ખૂણામાં એક લોખંડની પેટી અને એના પર બે ચાર મેલા ગોદડાં. બસ આટલો જ અસબાબ હતો પણ ભાઇનો મિજાજ બારાખાંડીનો છે.

  • પેલી સ્ત્રીએ લોચો ખાઇ લીધો. એન મોં પર હવે ચમક દેખાય.
  • ‘બોલો ક્યાં મામલા હેં? ઇસકો અંદર ક્યું નહીં આને દે રહા થા?‘ બાઇ હજુ ય પોતાના વરથી ડરેલી હતી એટલે નીચુ જોઇને બેઠી રહી.
  • ‘વો ઉસને કલ રાત કો અચ્છા ખાના બનાયા ન થા, ઔર સુબહ ભી સોતી રહી…ફીર મેરે કો ગુસ્સા આયેગા ના…‘
  • આટલી વાતમાં બિચારીને વરસાદમાં પલળવા મૂકી દેવાની? શોભાને ગુસ્સો આવ્યો પણ શું કહેવું આવા અભણને? એ ગમ ખાઇ ગઇ.
  • ‘તુંને ખાના ક્યું અચ્છે સે બનાયા ન થા?‘
  • ‘વો મેરે કો કલ બહોત ઉલટિયા હો રહી થી. મજૂરી સે આ કર સ ગઇ. ઇસ લિયે મસાલા લેને જા નહીં સકી’

આવી હાલતમાં પણ આ મજૂરી કરે છે ને આને સારું ખાવાનું જોઇએ છે. નાની અમથી વાતમાં પેલાને પોતાનું પુરુષપણું દેખાડવું હતું. હવે આમને કેમ સમજાવું કે ખરીદી–રસોઇ કરવી એ માત્ર સ્ત્રીની ફરજ નથી.  ‘દેખો ભૈયા….તુમ ઇસકા ખ્યાલ નહીં રખોગે તો વો બિમાર પડેગી. ફીર દવાઇ કા પૈસા લગેગા…ઓર અચ્છી ખોરાક કે લિયે ભી પૈસા ખરચ હોગા..ઇસ સે અચ્છા હેં કે તુમ ઇસકા ખ્યાલ રખો. જો કામ વો ન કર શકે વો તુમ કર લો…થોડી મદદ બિવી કો કરની પડતી હે…તુમ કમાતે હો તો યે ભી મજૂરી કરતી હેં ના!‘ શોભાએ લાંબું લેકચર આપીને સમજાવ્યા. પેલાને જરા ધમકાવ્યો કે હું આટલામાં જ રહું છું. તારી પત્નીનું ધ્યાન રાખજે નહીં તો પોલિસમાં ફરિયાદ કરીશ. બધું પત્યું એટલે ગોપાલ બોલ્યો, ‘મેડમ વરસાદમાં હવે પલળવું છે કે બીજા બે–ચાર ઝૂંપડાંમાં પણ સુલેહ કરાવવા જવું છે? બાય ધ વે તારી પાસે હજુ આ ફ્રેન્ડસ ઓફ પોલિસ વાળું કાર્ડ છે?‘ જવાબમાં શોભા હસી પડી. ‘હા…ક્યારેક કામ લાગે છે…ચાલ હવે એક છત્રી ઓર હમ હે દો વાળો સીન ભજવીએ.‘

Most Popular

To Top