Charchapatra

પ્રજા, સરકાર અને સમસ્યા

કહેવાય છે કે જીવનમાં એક વાત નકકી છે કે કંઈ જ નકકી નથી.જે આજે સારું લાગે તે જ આવતી કાલ માટે સમસ્યા પણ બની જાય. જે આજે સમસ્યા લાગે તે જ આવતી કાલ માટે સારું પણ બની જાય. એટલે કે બધું જ સમય પર નિર્ભર છે. આજે જે સરકાર છે તે છેલ્લા બે દશકથી વધુ સમયથી સત્તા પર છે. એક તરફ વિકાસની મોટી મોટી વાતો તો બીજી તરફ સમસ્યાઓ ઠેરની ઠેર અને સમસ્યાઓ પણ કંઈ તો કે જયારે હું નાનો હતો ત્યારે પણ રોડ,રસ્તા,વીજળી, પાણી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ સમસ્યા હતી.આજે મારાં બાળકો માટે પણ એ જ સમસ્યાઓ? તો કયો વિકાસ? કેવો વિકાસ અને કોનો વિકાસ? આટલી દેશભક્તિ અને ધર્મના નામે ચાલતી સરકાર પણ એક પણ સમસ્યાને દૂર કરી શકી નથી અને જો સરકારનો આમાં કંઈ જ વાંક ન હોય તો પછી સમજવું કે પ્રજા જ એવી છે કે જેને સુધરવું નથી.

વર્ષોથી પ્રજા નેતાઓને અને નેતાઓ પ્રજાને ખો-ખો ની રમત રમાડે જાય છે અને આ બધામાં દેશની છબીને કે દેશની પ્રતિષ્ઠાને કોઈ જ નુકસાન પહોંચતું નથી. ૭૦ વર્ષની સરકારની ભૂલો કાઢતી આજની સરકાર પણ કંઈ નકકર કામગીરી કરી શકી નથી. આજે પણ રોડ, પુલ બને અને તરત તૂટે છે. આજે પણ લાખો રૂપિયાનો પગારદાર વ્યકિત લાંચ-રુશવત લે છે. આજે પણ અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે. આજે પણ મોંઘવારી,બેકારી અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે.  ફક્ત ફરક એટલો છે પહેલાં સમસ્યાઓ માટે સરકાર જવાબદાર ગણવામાં આવતી અને હવે પ્રજાને દોષ દેવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ થયો કે,સરકારો આવે અને જાય,દેશ કાલે મહાસત્તા પણ બની જશે તો પણ આપણી સમસ્યાઓ તો એની એ જ રહેશે.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વીતેલી કાલને આજની સાથે જોડતું  પેઢી નામું
ગુજરાતમિત્રમાં એક પેઢીનામું કોલમ હેઠળ જે લેખો આવે છે જેમાં સુરતનાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ધંધાકીય વ્યવસાયીઓ જેઓ સુરતમાં સાત કે દસ દાયકાઓથી પેઢીઓ ધરાવે છે અને શહેરમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે તેના સ્થાપકો વારસદારો અને વંશવેલોના નામોનો ઉલ્લેખ કરતો આર્ટીકલ ગુજરાતમિત્રમાં આવે છે. જે ખરેખર ખુબ જ માહિતીવર્ધક અને આજની નવી પેઢીને જુની પેઢી સાથે માહિતગાર અને ઓળખ ઉભી કરતી ખુબ જ સુંદર કડી છે એ માટે ગુજરાતમિત્રને અને 160 વર્ષમાં મંગળ પ્રવેશ અંગે ખૂબ ખૂબ અભિનંદન.
સુરત              – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top