નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લાં પંદરેક દિવસથી પીવાના પાણીનો એક વખતનો સપ્લાય પાલિકાતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાથી આ વિસ્તારમાં રહેતી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ભેદભાવવાળી નિતી છોડી આ વિસ્તારમાં પણ બંને ટાઈમ પાણીનો પુરતો સપ્લાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
એમાંય વળી છેલ્લાં એક વર્ષથી નગરના નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ખુબ જ વિકટ બની છે. પાલિકાતંત્ર દ્વારા મોટર બળી ગઈ હોવાનું અથવા તો લાઈનમાં લિકેજ હોવાના બહાના હેઠળ આ વિસ્તારમાં પાણીનો સપ્લાય રોકી દેવામાં આવી રહ્યો છે. જેને પગલે આ વિસ્તારની પ્રજાને પીવાના તેમજ ઘરવપરાશના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. પાલિકાના નઘરોળ તંત્રના વાંકે લોકોને પીવા તેમજ ઘરવપરાશ માટે રૂપિયા ખર્ચી મીનરલ પાણીના જગ મંગાવવાની ફરજ પડી રહી છે. તો વળી, ગરીબ પરિવારોની મહિલાઓને હેન્ડપંપ તેમજ અન્ય ઠેકાણે પાણી ભરવા જવું પડી રહ્યું છે.
નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં અગાઉ સતત ત્રણેક મહિના સુધી એક ટાઈમનો પાણીનો સપ્લાય બંધ રાખ્યો હતો. તે વખતે આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીએ જઈ હોબાળો મચાવ્યાં બાદ બીજા જ દિવસથી પાણીનો સપ્લાય શરૂ કર્યો હતો. જેને હજી માંડ બે મહિના વિત્યા છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા ફરી વખત આ વિસ્તારમાં પાણીનો એક વખતનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હોવાની બુમો ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિકો જણાવી રહ્યાં છે કે પાલિકાતંત્ર દ્વારા સ્પેશ્યલ વોટરના નામે દરવર્ષે ૬૦૦ રૂપિયા ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે.
નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોની મોટાભાગની પ્રજા પાલિકામાં નિયમીતપણે ટેક્ષ ભરે છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા ભેદભાવવાળી નિતી અપનાવી આ વિસ્તારમાં અવારનવાર પાણીનો સપ્લાય બંધ કરી સ્થાનિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. છેલ્લાં પંદરેક દિવસથી સાંજનો પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. જો સવારે પાણી ભરવાનું ચુકી જઈએ તો, આખો દિવસ પાણી માટે વલખાં મારવાનો વારો આવે છે. ત્યારે તંત્ર દ્વારા ભેદભાવવાળી નિતી છોડી, શહેરના અન્ય વિસ્તારોની જેમ નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ બંને ટાઈમ પુરતું પાણી આપવામાં આવે તેવી માંગ છે.