આણંદ : આણંદના મોગર ગામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ – ડિઝલના વધી રહેલા ભાવના પગલે કટાક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ વાહન ચાલકોને રોકી તેમને પેંડા વહેંચ્યાં હતાં. સાથોસાથ ઇંધણના વધી રહેલા ભાવથી મોંઘવારી વધશે તેવી ભીતિ પણ સેવી હતી. મોગર કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગામમાં અને હાઇવે ઉપર વાહનચાલકોને અટકાવી પેંડા આપવામાં આવ્યા હતા. વાહનચાલકોને 2022ની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના મીઠા વાયદામાં ન આવી કોંગ્રેસ સમર્થન આપવા અપીલ કરાઈ હતી.
જોકે, ઘણા વાહનચાલકોએ આ મોંઘવારી વિરૂદ્ધ અનોખા વિરોધની પ્રસંશા કરી હતી. મોગર હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અંગે આણંદ તાલુકા પંચાયત સભ્ય ચિરાગસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા 2017ની ચૂંટણીમાં મીઠા વાયદા કરી ગુજરાતી પ્રજા સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહેલી ગુજરાતની પ્રજા હાલ ખૂબ જ કડવુ જીવન જીવી રહી છે.
ગુજરાત સરકાર પ્રજાને કરેલા વાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ ગળ્યા પેંડાની વહેંચણી કરી પ્રજામાં એ જાગૃતિ કરવા માંગીએ છીએ કે આગામી 2022ની ચૂંટણીમાં ભાજપની ગળ્યા વાયદાઓમાં ફસાય નહિ તે માટે અમે આગામી સમયમાં પણ આ પ્રકારે રચનાત્મક વિરોધ પ્રદર્શન કરતા રહીશું અને પ્રજાને જાગૃત કરતા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને પાર પહોંચી ગયા છે. વધતી જતી મોંઘવારી અને વળી તેમાં પેટ્રોલના વધેલા ભાવે ભડકો કર્યો છે. પ્રજામાં જનઆક્રોશ ભભૂકી રહ્યો છે. વાહનચાલકો, નોકરિયાતો, ટ્રાન્સપોર્ટરોની બેલન્સ સીટ ખોરવાઈ રહી છે. પેટ્રોલના ભાવ વધારાની મોંઘવારીનો આણંદ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ચિરાગસિંહ માહિડાની આગેવાનીમાં કાર્યકર સમૂહ દ્વારા મીઠો વિરોધ કરાયો હતો.