Business

પેગાસસ: સરકારનો તે વળી જવાબ મંગાય?

ગયા વર્ષના જુલાઇમાં એવું બહાર આવ્યું હતું કે ભારત સરકાર નાગરિકો પર જાસૂસી કરવા ભારત સરકાર મિલિટરી ગ્રેડનું જાસૂસી સોફટવેર વાપરતી હતી. આ નાગરિકોમાં પત્રકારો, વિરોધ પક્ષના નેતાઓ તેમજ જાતીય હેરાનગતિમાંથી ઉગરી ગયેલાં લોકોનો પણ સમાવેશ થતો હતો. વૈશ્વિક માનવાધિકાર જૂથ જેનો હું એક ભાગ છું તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ટેકનિકલ સંશોધન અને ચકાસણીના આધારે આ હેવાલ તૈયાર કરાયો હતો, ઇઝરાયલની એક કંપની દ્વારા તૈયાર કરાયેલ અને માત્ર સરકારોને જ વેચવામાં આવતાં ‘પેગાસસ’ નામના એક સોફટવેરનો ઉપયોગ કરનાર ભારત જ એક માત્ર દેશ નથી.

પેગાસસ આઇફોનમાં ઘૂસી જઇ શકે છે અને નિશાન બનનાર દ્વારા કોઇ પણ ક્રિયા કર્યા વગર તે આઇફોનમાં ઘૂસી કામગીરી કરી શકે છે. ભોગ બનનારે લિંક પણ જોડવાની નથી કે કોઇ ‘નોટિફિકેશન’ની પણ જરૂર નથી. એક વાર પેગાસસ કોઇ ફોનમાં ઘૂસી જાય પછી તેના બાપનું રાજ! અમેરિકન રાજદ્વારીઓને નિશાન બનાવાયા હોવાનું જણાયા પછી અમેરિકાએ એનએસઓ ગૃપ તરીકે જાણીતી આ ઇઝરાયલી કંપનીને બ્લેક લિસ્ટ કરી દીધી છે. બ્રિટીશ સરકાર પણ આવાં જ પગલાં ભરે એવી ચિંતા થતાં એનએસઓએ તેના સોફટવેરને રીકોડ કર્યું જેથી તે +44 એટલે કે બ્રિટીશ ઇન્ટરનેશનલ કોડથી શરૂ થતા કોઇ પણ નંબરને હેક નહીં કરી શકે. ફ્રેંચ જાસૂસી સંસ્થાએ સમર્થન કર્યું કે એક વિદેશી સરકાર દ્વારા તેનાં નાગરિકો પર પેગાસસનો ઉપયોગ થાય છે ત્યારે ઇઝરાયલ સરકારને ફ્રાંસને ધરપત આપી કે હવે કોઇ ફ્રેંચ નાગરિક પર તેનો ઉપયોગ નહીં થાય પણ ભારત સરકારનો અત્યાર સુધીનો પ્રતિભાવ શું છે?

પહેલો પ્રતિભાવ હતો કે આ સમાચાર સાથે પોતાને કંઇ જ લેવાદેવા નથી એવું જાહેર કર્યું. પ્રધાનોને મોકલીને એવું કહેવાયું કે એમ્નેસ્ટીએ હેવાલ પાછા ખેંચી લેવાયા છે. આ જૂઠાણું છે. સંસદમાં સરકારે કહ્યું હતું કે કોઇ અનધિકૃત જાસૂસી નથી થઇ. આ કંઇ જવાબ નથી. શાસક પક્ષે કયા કાયદા હેઠળ અધિકૃત રીતે વિરોધ પક્ષો પર જાસૂસી કરી? આ વાત પણ બહાર નથી પડાઇ. એમ્નેસ્ટીએ જાહેર કર્યું કે જે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં મોદી સરકારનો બચાવ કર્યો છે તેના પર પણ જાસૂસી થતી હતી. એમ્નેસ્ટીએ જાહેર કરેલી હકીકતો સામે વિવાદ નથી કરવામાં આવ્યો. આ હકીકતો છે. પત્રકારો, જાતીય સતામણીનો ભોગ બનેલાઓ, ન્યાયતંત્ર અને પ્રચાર પ્રસાર માધ્યમોમાં સંકળાયેલાં લોકો સહિતનાં ભારતીયો પર જાસૂસી કરવામાં આવે છે. માત્ર સરકારોને જ વેચાય છે તે મિલિટરી ગ્રેડ સોફટવેરથી આ લોકો પર હુમલો કરાય છે.ત્રીજી હકીકત એ છે કે આ જાસૂસી સોફટવેર ખરીદવા અને જાળવણી કરવા કરોડો રૂપિયા ખર્ચાય છે. આ ગુનાહિત કૃત્ય છે પણ કોઇની સામે તેના બદલ પગલાં લેવાયાં નથી.

વધુ નિરાશાજનક તો એ છે કે પેગાસસ સોફટવેરનો ઉપયોગ થાય છે કે નહીં તેનું ચોક્કસ સમર્થનવાળું વિધાન સરકાર પાસે ખુદ સુપ્રીમ કોર્ટ નથી કરાવી શકી. સુપ્રીમ કોર્ટે કોશિશ કરી પણ સરકારે આ મામલે સોગંદનામું રજૂ કરવાનો ઇન્કાર કર્યો. વાહિયાત રીતે સરકારે કહ્યું કે સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો છે કે નહીં તે શોધી કાઢવા અમે એક સમિતિની નિમણૂક કરીશું. અદાલતે સરકાર અને તેના અધિકારીઓને અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવવા જોઇતા હતા. તેના બદલે તેણે સરકારનો જવાબ સ્વીકારી સમિતિની રચના કરી. અહીં ખો-ખો ની રમત ચાલી રહી છે. સમિતિએ વચગાળાનો (કેમ?) હેવાલ આપ્યો છે. આપણે ભારતીયો જાણીએ છીએ કે સમિતિ રચાય છે પછી શું થાય છે. ચાલો, આ બાબતનું બીજું પાસું તપાસીએ. અમેરિકા, ફ્રાંસ કે બ્રિટન જેવી લોકશાહીની સરખામણીમાં આપણી લોકશાહી આ પ્રશ્નને કેવો હળવાશથી લીધો છે. ખાસ કરીને બીજાની વાત હોય તો ભારતીયોને અંગતતામાં રસ પડે છે. બીજાની અંગતતા કે મોભ્ભાની વાત આવે ત્યારે આપણે કહીએ છીએ કે એમાં છૂપાવવા જેવું શું છે?

એ હકીકત ભૂલી જાવ કે ભારતીય કાયદો કહે છે કે અંગતતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને સરકાર તરફથી થતાં દબાણથી નાગરિકને ઉચ્ચ દરજ્જાનું રક્ષણ મળે છે. પણ મુખ્ય વાત એ છે કે શાસક પક્ષ દ્વારા તેના વિરોધીઓ કે પત્રકારો સામેના ગુનાહિત પગલાંને રાજકીય મુદ્દો બનાવવા જેટલી ગંભીરતાથી નથી લેવાતાં. એવું ધારી લેવામાં આવે છે કે સત્તાનો દુરુપયોગ માત્ર સામાન્ય જ નથી પણ અપેક્ષિત અને કાયદેસરનો છે. આપણી લોકશાહી માટે તે ચિંતાજનક છે. રાજય પાસે જવાબ માંગવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવાની ન્યાયતંત્રની દેખીતી અશકિત અને નાખુશી બીજું ચિંતાજનક પરિબળ છે. લાંબા સમયથી આ સરકારના શાસન હેઠળ આપણે જોયું છે કે સત્તાના ઉપયોગ અને ઉત્તરદાયિત્વ માત્ર કાગળ પર જ રહ્યા છે. 1900 ના દાયકાની જેમ એક મજબૂત નેતા લોકોને પોતાની ઇચ્છા મુજબ વાળી શકે એ પણ ચિંતાજનક છે. પેગાસસની તપાસનું શું તારણ આવે છે તે આપણે જોઇશું પણ તંત્ર મોદી સરકારનો જવાબ માંગશે તો ઘણાને આશ્ચર્ય થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top