Business

અનેક મુશ્કેલીઓ વચ્ચે વિજયશેખરનો ચોંકાવનારો દાવો કહ્યું, એક દિવસ Paytm એશિયા પર રાજ કરશે

નવી દિલ્હી: ડિજીટલ પેમેન્ટ (Digital payment) કંપની પેટીએમ (Paytm) ભારતમાં નિયમનકારી પડકારોનો સામનો કરી રહી છે ત્યારે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ (Vijay Shekhar Sharma) કંપની એશિયાના (Asia) બજારો પર રાજ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ટોકિયોમાં (Tokyo) આયોજિત ટેક્નોલોજી કોન્ફરન્સમાં મંગળવારે સંબોધન કરતી વખતે વિજય શેખર શર્માએ કહ્યું કે, ડિજીટેલ પેમેન્ટ કંપની પેટીએમ ચાલુ વર્ષમાં જ નિયમનકારી સંબંધિત પડકારોને દૂર કરશે અને એક મજબૂત કંપની તરીકે ફરી પુનરાગમન કરશે.

વિજય શેખરે વધુમાં કહ્યું કે, પાછલા દિવસોમાં એ વાત સમજ્યો છું કે કેટલીકવાર તમારી ટીમ અને સલાહકારોને સાચી સમજ હોતી નથી. તમારે માર્ગદર્શન માટે ફક્ત તમારી ટીમના સાથીઓ અથવા સલાહકારો પર આધાર રાખવાના બદલે અન્યત્ર નજર દોડાવવી જોઈએ. પરિસ્થિતિને સંભાળવી તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત સરકારે પેટીએમની બેકિંગ સંલગ્ન કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુક્યા બાદ વિજય શેખર શર્મા પહેલીવાર જાહેરમાં દેખાયા છે.

વિજયશેખરે વધુમાં કહ્યું કે, અનેક પડકારો હોવા છતાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે તંદુરસ્ત વાતાવરણ ઉભું કરવામાં સરકારી નિયમનકારી સંસ્થાઓએ પ્રશંસનીય કામગીરી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, અમે અમારા રેગ્યુલેટરી નિયમોને સમજવા માટે પ્રયાસ કરીએ છીએ. ચીજો ખુબ જ ઝડપથી વ્યવસ્થિત થવાની દિશામાં આગળ વધી રહી છે.

વિજયશેખરે વધુમાં કહ્યું કે, હું એવા એશિયાની કલ્પના કરું છે કે જેમાં આવનારી પેઢીને અનુરૂપ ફાયનાન્સ સિસ્ટમ બનાવવાની તક પેટીએમ ઝડપી લે. તાજેતરના નિયમકારી આંચકાએ પેટીએમને વધુ સજાગ બનાવ્યું છે અને હું દાવા સાથે કહી શકું છું કે એશિયામાં પેટીએમને લીડર તરીકે સ્થાન અપાવવા અમારી ટીમ કટિબદ્ધ છે. વિજયશેખરે કહ્યું કે, પેટીએમ પાસે એશિયમાં લીડર બનવાની તક છે અને હું મારા જીવનકાળમાં તે કરી દેખાડવા માંગું છું.

વિજય શેખરે તેમની ડિજીટલ પેમેન્ટ કંપનીમાં સ્થિરતાને પુન:સ્થાપિત કરવાના પ્રયાસના ભાગરૂપે તેઓ પ્રતિબંધ સામે લડી રહ્યાં છે. કારણ કે ફાયનાન્સ અને પેમેન્ટ સર્વિસ એ પેટીએમ માટે કરોડરજ્જુ સમાન છે. પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેન્ક બંને વિજય શેખરના ફિનટેક સામ્રાજ્યના અભિન્ન અંગો છે.

જણાવી દઈએ કે, પ્રતિબંધો બાદ ફેબ્રુઆરીમાં વિજયશેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેન્કના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બેન્કિંગ નિયમનકારે બેન્કને તેના ગ્રાહક ખાતા અથવા વોલેટમાં નવી ડિપોઝીટ સ્વીકારવા પર પ્રતિબંધ મુક્યા બાદ વિજય શેખરે રાજીનામું આપ્યું હતું.

Most Popular

To Top