ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભા 2022ની ચૂંટણીને (Assembly election 2022) લઈને પાર્ટીઓ પોત પોતાની રણનીતિઓ બનાવી રહી છે. જેમાં હાલ મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે કે ખોડલધામ મંદિરના ચેરમેન અને પાટીદાર સમાજના (Patidar Samaj) આગેવાન નરેશ પટેલે (Naresh Patel) રાજકીય ક્ષેત્રે ઝંપલાવશે કે કેમ? વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આપ (AAP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જેમાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા તેમની સાથે જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલેના આમંત્રણ બાદ હવે આમ આદમી પાર્ટી પણ પોતાની પાર્ટીમાં સામેલ કરવા નરેશ પટેલને આમંત્રણ આપી દીધું છે. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની મુલાકાત લીધી હતી. આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ એક નિવેદન આપતા કહ્યું હતું કે રાજકારણ અંગે મારો સમાજ મને આદેશ કરશે, અને હું સમાજને પૂછીને જ નિર્ણય કરીશ. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવવા માટે 20થી 30 માર્ચની વચ્ચે નિર્ણય જાહેર કરશે.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. સાથે જ આ અંગે જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફોરન્સથી કેસની વિગતો મંગાવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રહી વાત કોંગ્રેસની તો ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે ક્યારેય સબળ વિપક્ષ વગર સરકાર ચાલી ન શકે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસી છું, કોના મનમાં કોંગ્રેસ નથી. આજથી 25 વર્ષ પહેલાની જ વાત લઈ લો, કોણ કોંગ્રેસની વિચારધારા નહોતું ધરાવતું હતું. તેમણે કહ્યું કે મારા માટે રાજકારણમાં આવવું એટલે લોકોના કામ કરવા અને લોકોની સેવા કરવી.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો તેજ બની રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પાર્ટીમાં લાવવા માટે માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલ દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ઘણી શકયતાઓ એવી સેવાઈ રહી છે કે હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલા સમયથી પાટીદાર અનામત આંદોલન કેસ પરત ખેંચવા માંગ કરાઈ રહી હતી. આ સાથે જ એવી પણ શકયતાઓ છે કે વિધાનસભાની ચૂંટણીના વર્ષ માં પાટીદાર અનામત આંદોલન કેસો પરત ખેંચાઈ શકે છે.
ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચાણતાણ ચાલી રહી છે. ખોડલધામ નરેશ પટેલને એકબાદ એક વિવિધ પાર્ટીમાંથી રાજકારણાં જોડાવવા માટેના આમંત્રણ મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હોળી બાદ નરેશ પટેલ પોતાના રાજકીય નિર્ણય જાહેર કરી શકે છે.