સુરતથી (Surat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં-17માંથી બે ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં આપતા ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી (Election) પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કર્યો છે કે પાસની તાકાત કોંગ્રેસ ચૂંટણીના પરિણામમાં જોઈ લેશે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે. પહેલાં તેઓના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસે ફેરવી તોળ્યું હતું.
કોંગ્રેસ અને પાસ વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પાસના કાર્યકર્તાને ટિકિટ આપવાની વાત કરી કોંગ્રેસે તેઓને મેન્ડેટ આપ્યું ન હતું. સુરત પાસ નેતા ધાર્મિક માલવિયા વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારીપત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. કોંગ્રેસના મોવડીમંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયા અને વિજય પાનસુરિયાને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરી હતી. પરંતુ આ બંનેને ટિકિટ ન આપતાં ધાર્મિક માલવિયાએ પણ ઉમેદવારી ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પાસ સાથે અન્યાય કર્યો છે. હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે.
પાટીદાર (Patidar) અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારોની અવગણના કરી છે. વર્ષોથી નિષ્ક્રિય પડેલી કોંગ્રેસને વિધાનસભામાં 82 સીટ જીતાડવામાં મહત્વનો ફાળો આપનાર પાટીદાર સમાજ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે. આ અન્યાયને લઈને ધાર્મિક માલવીયા પણ ચૂંટણી નહિ લડે. આ પહેલા ઉમેદવારીપત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. એને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વ તૈયારીઓ કરી પહોંચ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરાજિયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી.