Gujarat

ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવા શૈક્ષિક મહાસંઘે માંગ કરી, CMને પત્ર લખ્યો

પઠાણ ફિલ્મનાં (Pathan Film) સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ થયા બાદ વિવાદ (Controversy) વકર્યો છે. આ ગીત (Song) જોયા બાદ લોકો આખેઆખી ફિલ્મનો જ વિરોધ કરવા લાગ્યા છે. ત્યારે આ ફિલ્મના કારણે વિદ્યાર્થીઓના (Students) માનસ પર ખોટી અસર ન વર્તાય તેને ધ્યાને રાખી ગુજરાતમાં (Gujarat) ફિલ્મ રિલીઝ ન થવા દેવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.

બોલિવૂડની ફિલ્મ પઠાણ આગામી 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મનાં ગીતે હડકંપ મચાવી દીધો છે. દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતમાં પણ તેનો વિરોધ ઉઠ્યો છે. ઠેર ઠેર અનેક સંગઠનો દ્વારા ફિલ્મ અને તેનાં ગીતોનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં આ ફિલ્મ રીલિઝ ના થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલું સંગઠન છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જોતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે. પત્રમાં જણાવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય સંસ્કૃતિ તથા વિદ્યાર્થી હિતમાં થિયેટર, સોશિયલ મીડિયા તથા અન્ય તમામ પ્રકારના માધ્યમો પરથી આ ફિલ્મના અંશ દર્શાવવા પર પ્રતિબંધ મુકવાની ઉગ્ર માંગણી કરે છે.

પઠાન ફિલ્મમાં દિપીકા પાદૂકોણના ડ્રેસિંગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિંદુ સંગઠનોએ બોલીવુડ તેમજ શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. તો બીજી તરફ મુસ્લિમ સંગઠનોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. દેશભરમાંથી ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ કરી છે. આ સંદર્ભે હિન્દુ સેનાએ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર પણ લખ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે ફિલ્મમાંથી આવા દૃશ્યો હટાવવા જોઈએ.

Most Popular

To Top