ભાવનગર/સુરત : ઘોઘાથી હજીરા (Ghogha-Hazira) વચ્ચે ત્રણ માસના અંતરાલ બાદ રો-પેક્સ ફેરી (Ro-Pax Ferry) પુનઃ શરૂ થઈ હતી. જો કે, સેવા શરૂ થયાના બીજા જ દિવસે વિવાદમાં સપડાયું છે. ઘોઘાથી નીકળેલું શિપ (Ship)રાત્રે અડધો કલાક મોડું હજીરા પહોંચ્યું હતું અને અદાણી ગ્રુપના સુરત પોર્ટની (Adani Port) રો-રો સેવાની જેટી પર લાંગર્યુ ત્યારે પાણીનું લેવલ ઓછું હોવાથી વાહનો વિના આવેલા પેસેન્જરોને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે કાર, ટ્રક, ટેમ્પો, બાઈક સાથે આવેલા પેસેન્જરોને શિપમાં પાંચ કલાક રોકી રાખવામાં આવ્યા હતા. તેને લઈ પેસેન્જરો અકળાયા હતા.
- સાત વાગ્યે પહોંચી ગયેલું શિપ રાત્રે અગિયાર વાગ્યે પણ અનલોડ ન થતાં મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી
- જેટી પર શિપ લાંગર્યુ ત્યારે પાણીનું લેવલ નીચું હોવાથી ટ્રક અને કાર સાથે આવેલા પેસેન્જરોને સલામતીનાં કારણોસર અટકાવી રખાયાં
ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઘોઘા દરિયા કાંઠેથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરત સ્થિત હજીરા બંદરને જોડતી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા સફળ રહ્યા પછી તેનો શાફ્ટ વળી જતાં ત્રણ માસ માટે ફેરી સર્વિસ બંધ રાખી 19 ઓક્ટોબરે ફરી શરૂ કરાઈ હતી. સેવા શરૂ થયાની બીજી ટ્રીપ એટલે કે બીજા દિવસે નિર્ધારિત સમય મુજબ ઘોઘાથી બપોરે ત્રણ વાગ્યે હજીરા જવા રવાના થઈ હતી અને સાંજે સાતથી સાડા સાત કલાક દરમિયાન હજીરા પહોંચી હતી. જ્યાં લો ટાઈડમાં શિપ પહોંચતાં વાહનો સાથે આવેલા પેસેન્જરોને શિપમાં પાંચ કલાક સુધી અટકાવી રાખવામાં આવ્યા હતા.
આ બાબતે ખાસ્સો સમય વિતવા છતાં કલાકો બાદ શિપ પર ફરજરત કર્મચારીઓ કેબિનમાં જતા રહ્યા હતા. સાત-સાડા સાત વાગ્યે પહોંચી ગયેલું શિપ રાત્રે અગિયાર વાગ્યે પણ સંપૂર્ણ અનલોડ ન થતાં ભૂખ્યા તરસ્યા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. એ પછી રાત્રે અગિયાર વાગ્યે વાહનો સાથે આવેલા પેસેન્જરોને જવા દેવામાં આવ્યા હતા. આ મામલે ફેરી સર્વિસ ડીજી કનેક્ટના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્નિકલ કારણોસર પોર્ટ ઉપર પેસેન્જરોને અનલોડ કરવાની મંજૂરી નહીં મળતાં વિલંબ થયો હતો.
લો-ટાઈડ સમયે શિપમાં ટ્રકો ખોટી રીતે પાર્ક કરાઈ હતી, તેથી હાઈ ટાઈડની રાહ જોવાઈ
અદાણી પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોર્ટના જેટી એરિયામાં સિઝન પ્રમાણે ડ્રાફટ ઓછો વત્તો હોય છે. ગઈકાલે શિપ પહોંચ્યું ત્યારે દરિયામાં લો-ટાઈડને લીધે સેટિંગ કરવામાં અને હાઈટાઈડની રાહ જોવામાં સમય લાગ્યો હતો. શિપ જેટી પર સમયસર લાંગર્યું હતું અને વાહનો વિના આવેલા પેસેન્જરોને સમયસર જવા દેવાયા હતા. જે પેસેન્જરો કાર, ટ્રક, ટેમ્પોમાં આવ્યા હતા, એ પેસેન્જરોને સલામતીનાં કારણોસર રોકવામાં આવ્યાં હતાં.
કારણ કે, શિપના સંચાલકો દ્વારા એક્ઝિટ એરિયામાં આગળ ટ્રકો પાર્ક કરવામાં આવી હતી. અને કાર સહિતનાં વાહનો તેની પાછળ પાર્ક કરાયાં હતાં. આ સમગ્ર મિસ મેનેજમેન્ટ ફેરી સર્વિસનું હતું. તેની સાથે પોર્ટને કોઈ લેવાદેવા નથી. ભરતી અને ઓટ પ્રમાણે આ સર્વિસ ચાલતી હોય છે. પેસેન્જરોની સલામતી જોવાની ફરજ પોર્ટની છે. અને લો-ટાઈડ હોવાથી ઓછા પાણીને લીધે યોગ્ય નિર્ણય લેવાયો હતો.