નવી દિલ્હી: (New Delhi) સંસદમાં (Parliament) બજેટ સત્ર ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને સંસદમાં ચર્ચા થઈ. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારના કાર્યકાળનું આ છેલ્લું સત્ર છે. વિપક્ષ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે લોકસભામાં PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષ જ રહેશે. આગામી ચુંટણી સુધી વિપક્ષ જ ઓડિયન્સ તરીકે જ દેખાશે.
પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે નવી સંસદમાં નવી પરંપરા ખૂબ જ પ્રભાવશાળી છે. લોકશાહીનું ગૌરવ અનેકગણું વધી ગયું છે. સેંગોલ સંસદીય પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને તેમના વિરોધીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. PM એ એમ પણ કહ્યું કે ભારત અમારી ત્રીજી ટર્મમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ મોદીની ગેરંટી છે.
પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષ જ રહેશે. કોંગ્રેસ ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં રહેશે. વિપક્ષના ઘણા લોકોએ પણ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. ઘણા લોકો પોતાની સીટ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે. વિપક્ષના ઘણા લોકો લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. પીએમએ કહ્યું કે વિપક્ષે દરેક વખતે દેશને નિરાશ કર્યો છે. ક્યાં સુધી લઘુમતીના નામે ભાગલા પાડતા રહેશો? ક્યાં સુધી સમાજમાં ભાગલા પાડતા રહેશો? હું વિપક્ષને ચૂંટણી કેવી રીતે લડવી તે પણ શીખવીશ. વિપક્ષ ક્યાં સુધી ટુકડે ટુકડે વિચારતો રહેશે? કોંગ્રેસ સારો વિપક્ષ બની શકી નથી. કોંગ્રેસને વિપક્ષ બનવાની સારી તક મળી પરંતુ તે 10 વર્ષમાં આ જવાબદારી નિભાવવામાં પણ નિષ્ફળ રહી.
પીએમ મોદીએ કહ્યું કે શ્રી રામ તેમના ઘરે પરત ફર્યા છે. ભારતની મહાન પરંપરાને ઉર્જા આપનાર મંદિર બનાવવામાં આવ્યું છે. આખો દેશ કહી રહ્યો છે કે અબકી બાર 400 પાર. દેશનો મિજાજ NDAને 400 પાર કરાવીને જ રહેશે. ભાજપને 370 બેઠકો મળશે. NDA 400ને પાર કરશે. પીએમે કહ્યું કે ગત વખત કરતા 100-125 વધુ સીટો મળશે.
રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા, પરિવારવાદની વાત કરી
પીએમ મોદીએ કહ્યું કે રાહુલને લોન્ચ કરતી વખતે કોંગ્રેસ નિષ્ફળ ગઈ. સ્થિતિ કોંગ્રેસની દુકાનને તાળા મારવા સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે ભાજપ પરિવારનો પક્ષ નથી. ભાજપ માત્ર અમિત શાહ અને રાજનાથ સિંહનો પક્ષ નથી. પરંતુ કોંગ્રેસ પરિવારની પાર્ટી છે. કોંગ્રેસ પરિવારમાં ફસાઈ ગઈ છે. કોંગ્રેસ પરિવારની બહાર જોઈ શકતી નથી. એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.