National

ચંદીગઢ મેયરની ચૂંટણી ‘મર્ડર ઓફ ડેમોક્રેસી’: HC, તમામ દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ

ચંદીગઢ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં યોજાયેલી ચંદીગઢ મેયરની ચૂંટણી (MayorElection) પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેને લોકશાહીની હત્યા (Murder of Democracy) ગણાવી છે. કોર્ટે કહ્યું કે મેયરની ચૂંટણી યોગ્ય રીતે હાથ ધરવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તેમજ આ ચુંટણીમાં કોઇ પણ પ્રકારની બેજવાબદારી અયોગ્ય છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસે પ્રેસિડિંગ ઑફિસનો વીડિયો પણ જોયો જેમાં તેઓ કથિત રીતે મત રદ કરી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. તેમજ અમે લોકશાહીની આ રીતેની હત્યાની મંજૂરી આપી શકીએ નહીં. આ સાથે જ CJIએ ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે નિયુક્ત રિટર્નિંગ ઓફિસર ભાજપના છે. તેઓ પાર્ટીમાં પણ સક્રિય છે અને તેમને આ પદ આપવામાં આવ્યું હતું. જેના પર કોર્ટે અભિષેક મનુ સિંઘવી પાસેથી વીડિયો ફૂટેજની પેન ડ્રાઈવ માંગી હતી. વીડિયો જોયા બાદ કોર્ટે કહ્યું કે આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ શરૂ થવો જોઈએ.

હાઇકોર્ટના રજીસ્ટ્રાર પાસેથી ચૂંટણીનો સંપૂર્ણ રેકોર્ડ માંગવામાં આવ્યો
CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “અમે નિર્દેશ આપીએ છીએ કે મેયર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ હાઈકોર્ટ અને રજિસ્ટ્રાર જનરલ પાસે જપ્ત કરવામાં આવે અને બેલેટ પેપર, વીડિયોગ્રાફી પણ સાચવવામાં આવે. તેમજ રિટર્નિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે કે તે રેકોર્ડ કોર્ટને સોંપશે. તેમજ સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી આજે એટલે કે સોમવારે શરૂ કરી છે. જેને આજની સુનાવણી બાદ 12 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.

પ્રિસાઇડિંગ ઓફિસરનો વીડિયો CJIને સોંપાયો
એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમજ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી હતી. આ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રેસિડિંગ ઓફિસનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેઓ બેલેટ પેપર ઉપર પેનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે. તે પણ આ ફુટેજમાં જોવા મળ્યું હતું.

Most Popular

To Top