પરિણીતી ચોપરા કહી રહી છે કે ‘ઊંચાઇ’ ફિલ્મ મારી લાઇફની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે. તેણે આમ કહેવું પણ જોઇએ કારણ કે અમિતાભ, અનુપમ, ડેની, બોમન ઇરાની વગેરે સાથે કામ કરી રહી છે ને સુરજ બડજાત્યાની ફિલ્મ છે. સુરજની ફિલ્મોએ હીરોઇનોને ખાસ બનાવી દીધી છે. ભાગ્યશ્રી, મધધુરી દિક્ષીત, કરીના કપૂર, અમૃતા રાવ, સોનમ કપૂરની કારકિર્દીએ સુરજની ફિલ્મથી ઉંચાઇ જોઇ હતી. તેમણે સલમાન ખાનને સ્ટાર બનાવ્યા પછી શાહીદ કપૂરને પણ નવી લોકપ્રિયતા અપાવેલી. તેઓ તેમની મુખ્ય અભિનેત્રીને બહુ ખાસ રીતે પેશ કરે છે.
સ્વચ્છ, ભારતીય સ્ત્રીની ઇમેજમાં તેમને વિશ્વાસ હોય છે એટલે પરિણીતી એવું ધારી શકે કે તેના માટે ‘ઊંચાઇ’ ટર્નિંગ પોઇન્ટ બનશે. 2022માં પરિણીતીની આ બીજી ફિલ્મ રજૂ થઇ રહી છે. ‘કોડ નેમ: તિરંગા’માં તે આવી હતી પણ એ ફિલ્મે તેના કોડ પૂરા કર્યા નહોતા. પરિણીતી બહુ બધી ફિલ્મોમાં વિશ્વાસ ધરાવતી નથી. વિત્યા 11 વર્ષથી તે ફિલ્મોમાં છે અને તેની 17 ફિલ્મો રજૂ થઇ છે. તે પોતાના વિશે આક્રમકતાથી વાત પણ નથી કરતી. પણ તેને અનુષ્કા શર્માની જેમ સારા બેનરની ફિલ્મો મળતી રહે છે. આ કારણે જ તેની ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘શુધ્ધ દેશી રોમાન્સ’, ‘ઢીસૂમ’ (કેમીયો), ‘ગોલમાલ અગેઇન’, ‘કેસરી’ જેવી ફિલ્મો સફળ રહી છે અને ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ ખાસ્સી ચર્ચામાં રહી હતી.
હા, ગયા વર્ષે સાઇના નહેવાલના ક્રિકેટ જીવનને કેન્દ્રમાં રાખી ‘સાઇના’ આવી હતી જે નિષ્ફળ રહી હતી પણ તે પોતાના વિશે બહુ શોર મચવતી નથી એટલે તેની નિષ્ફળતા પણબહુ ચર્ચાતી નથી. ‘ઊંચાઇ’ પછી તે ‘કેપ્સ્યુલ ગીલ’માં આવી રહી છે જેમાં તેની સાથે અક્ષયકુમાર છે અને આ ફિલ્મ આવતા મહિને જ રજૂ થવાની છે. એ ફિલ્મમાં રાણીગંજની કોલસાની ખીણમાં પૂરના પાણી ભરાય જતાં અનેકો આફતમાં ફસાઇ જાય છે ત્યારે એડીશનલ ચીફ ખાણ એંજિનિયર બધાના બચાવવા પ્રયત્ન કરે છે. 1989માં આવો બનાવ બનેલો અને ખાસ એંજિનીયરે અનેકને બચાવેલા. એટલે આ એક સાચી કહાણી આધારીત છે. આફિલ્મ સફળ જાય તેની અક્ષયકુમાર પણ રાહ જુએ છે. આ ફિલ્મ રજૂ થશે પછી પરિણીતી ‘સનકી’ અને ‘ઝહૂર’ ફિલ્મોનું કામ શરૂ કરશે. ‘એનિમલ’ તૈયાર છે પણ તે 2023માં રજૂ થવાની છે.
પરિણીતી ચોપરા ફિલ્મોમાં આવી ત્યારે પ્રિયંકા ચોપરાની બહેન તરીકે ઓળખ પામી હતી. જો કે તે સગી નહીં કઝીન બહેનો છે. અને પરિણીતીએ પ્રિયંકાની ઓળખથી ફિલ્મો મેળવી પણ નથી. તે તો પ્રિયંકા સાથે ફોટા પડાવવાથી પણ દૂર રહી છે. પરિણીતીએ અભિનેત્રી તરીકે પોતાના સ્વમાનની કાળજી રાખી છે. તે મોટા સ્ટાર સાથેની ફિલ્મોથી પણ મોટા થવામાં માનતી નથી. પરિણીતીમાં બીજી અભિનેત્રી સાથેનો સ્પર્ધા ભાવ પણ નથી. તે કોઇના પ્રેમમાં પડવા બાબતે ય ઉતાવળી નથી. હા, મનીષ શર્મા, અર્જૂન કપૂર અને ક્રિકેટર હાર્દિક પંડયા સાથે તેનું નામ જોડાયું પણ આપોઆપ જ અમુક સમય પછી એ સ્ટોરી નરમ પડી ગઇ. પોતાના વિશે મિડીયા કાંઇ કહે તો તે ખૂલાસા નથી કરતી. આ બાબતે તેનામાં ધીરજ છે. આ તેની સ્વસ્થતા સૂચવે છે. ફિલ્મ જગતમાં હો તો આવું બધું ચાલ્યા કરે. •