આણંદ : આણંદના અડાસ ગામે રહેતી યુવતીના લગ્ન ગોધરાના યુવક સાથે થયાં હતાં. આ લગ્ન બાદ ચારિત્ર્ય પર શંકા કરી તેને પિયર અડાસ ગામે મુકી ગયાં હતાં અને પરત સાસરિમાં લઇ જવાની ના પાડતાં લાગી આવ્યું હતું. આથી, પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે વાસદ પોલીસે પતિ સહિત ત્રણ સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો. અડાસના ગોહેલનગર ખાતે રહેતા પ્રવિણસિંહ રામસિંહ ગોહેલના દિકરી જ્યોત્સના ઉર્ફે જીનલ (ઉ.વ.22)ના લગ્ન છ માસ પહેલા ગોધરાના નવીધરી ગામે રહેતા વિજયસિંહ ગણપતસિંહ રાઉલજીના દિકરા દિવ્યરાજસિંહ સાથે થયાં હતાં. આ લગ્ન બાદ થોડા સમય સુધી દિકરીને સારી રીતે રાખી હતી. પરંતુ લગ્નના એકાદ મહિના પછી પતિ, સાસુ અને નણદોઇએ જ્યોત્સનાને અન્ય કોઇ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ મુકી શક વ્હેમ રાખવા લાગ્યાં હતાં. આ ઉપરાંત તેના ચારિત્ર્ય અંગે મ્હેણાં ટોણાં મારતાં હતાં અને વારંવાર ઝઘડો કરતાં હતાં.
જેથી જ્યોત્સનાબહેન વારંવાર પિયર આવતાં રહેતાં હતાં. તેઓએ પિયરમાં ફરિયાદ કરી હતી કે, પતિ, સાસુ અને નણંદોઇ બદા ચારિત્ર્ય પર ખોટો વ્હેમ રાખી છુટાછેડા લેવા માટે દબાણ કરે છે. તારુ છુટાછેડા આપવા ન હોય તો તું મરી જા પણ અમને છુટકારો આપ તેવી વાત કરે છે. જોકે, તેના પિતા તેને સમજાવીને પરત સાસરીમાં મુકી આવતાં હતાં. દરમિયાનમાં 27મી ઓક્ટોબર,22ના રોજ જ્યોત્સનાબહેનના નણંદ સંગીતાબહેન, નણંદોઇ રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ માત્રોજા (રહે.તરસાલી, વડોદરા) તેને લઇને અડાસ મુકી ગયાં હતાં. આ વખતે રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જ્યોત્સના ઉર્ફે જીનલને તમારા ઘરે જ રાખો અમારે તેને રાખવી નથી. તેમ કહી જતાં રહ્યાં હતાં.
આખરે જ્યોત્સનાબહેનના પિતા પ્રવિણસિંહે પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, પતિ તથા સાસુ ચારિત્ર્ય પર ખોટો શક વહેમ રાખી, મ્હેણાં ટોણા મારી, મારઝુડ કરે છે. બાદમાં જ્યોત્સનાબહેન પિયર જ રહેતાં હતાં. તેમને પરત સાસરિમાં મોકલવા પુરતા પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ સાસરિયા માનતાં નહતાં અને છુટાછેડા માટે જ દબાણ કરતાં હતાં. અલબત્ત, 5મી નવેમ્બર,22ના રોજ જ્યોત્સનાબહેનના સાસરીમાંથી પતિ દિવ્યરાજસિંહ, સાસુ જનકબહેન, જમાઇ રાજેન્દ્રસિંહ સહિતના માણસો વાતચીત કરવા આવ્યાં હતાં. તેઓને છુટાછેડા ન લેવા વિનંતી કરી હતી. આ વખતે પણ સાસરિયાઓએ જ્યોત્સના જોઇતી નથી, તે મરી જાય તો પણ અમને કોઇ વાંધો નથી. તેમ કહી નિકળી જવાની તૈયારી કરતાં હતાં.
આ સાંભળી જ્યોત્સનાબહેનને લાગી આવ્યું હતું અને એકદમ ઘરમાં ગયાં હતાં અને થોડીવાર પછી ઉલ્ટી કરતા કરતાં બહાર આવ્યાં હતાં અને આ વખતે તેણએ સાસરિયાને તમે ખુશ રહો તેમ કહી પડી ગયાં હતાં. તેણે પોતે દવા પીધી હોવાનું જણાવ્યું હતું. ઘરમાં તપાસ કરતાં કપાસમાં નાંખવાની જંતુનાશક દવા પીધી હોવાનો ખ્યાલ આવ્યો હતો. બીજી તરફ જ્યોત્સનાની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં 8મી નવેમ્બરના રોજ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ દિવ્યરાજસિંહ, સાસુ જનકબહેન, નણંદોઇ રાજેન્દ્રસિંહ સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાસરિયાઓ અંતિમવિધિમાં પણ ન આવ્યાં
અડાસ ગામે સમાધાન માટે આવેલા પતિ સહિત સાસરિયાઓએ જ્યોત્સનાબહેનને પરત લઇ જવાની ના પાડી હતી. આ સમયે જ્યોત્સનાબહેને તેમની સામે જ દવા પીધી હોવા છતાં તેઓ રોકાયાં નહતાં અને નિકળી ગયાં હતાં. આ ઉપરાંત જ્યોત્સનાબહેનના મૃત્યું અંગે જાણ કરવા છતાં સાસરિમાંથી કોઇ આવ્યું નહતું.