વ્યારા: વ્યારામાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર દીકરાની માતા-પિતા સહિત કુલ ત્રણ જણાની ત્રિપુટીએ પુત્રવધૂની પોતાના ઘરમાં જ મોં દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જો કે, આ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી જ હકીકત બહાર આવી હતી.
આ ઘટનામાં યુવતીનાં સાસુ, સસરા સહિત ત્રણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દીકરાએ આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા એ માતાને પસંદ ન હતું. હાલ મૃતકનાં સાસુ, સસરાની ધરપકડ કરાઈ છે. પોતાનો દીકરો સોનગઢ દુકાને નીકળી ગયા બાદ આ ઘટનાને ત્રિપુટીએ અંજામ આપ્યાનું તપાસમાં ખૂલ્યું છે.
સોનગઢ વિનસ સપ્લાયરના સેલ્સમેન રામઅવતાર માલીરામ મેહરા (ઉં.વ.૫૦) (રહે.,વાણીયા ફળિયું, સોનગઢ, મૂળ રહે., પાટણ, તા.નીમકાખાના, જિ.સીકર, રાજસ્થાન)ની મોટી દીકરી અંજલિ (ઉં.વ.૨૩)એ વર્ષ-૨૦૨૦માં સોનગઢના સર્વોદય નગર સ્ટેશન રોડ પર રહેતા રોહિત સંભાજી કોળી સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં.
ગત તા.૨૪/૦૩/૨૦૨૩ના રોજ રાત્રિના ૮ વાગ્યાના અરસામાં અંજલિ હોસ્પિટલ હોવાની માહિતી મળતાં યુવતીના પિતા રામઅવતાર વ્યારા જનરલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી અંજલિ મોતને ભેટી ચૂકી હતી. મૃત અંજલિના ડાબા ગાલ, ગળાના ભાગે ઇજાનાં નિશાન તેમજ મોંમાંથી ફીણ નીકળેલ અને હાથની આંગળીઓ વળી ગયેલી જાણવા મળતાં યુવતીના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.
અંજલિના મૃતદેહનું તા.૨૫/૦૩/૨૦૨૩ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં અંજલિનું મોત મોં દબાવવાના કારણે થયાનું ખૂલ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ અંજલિએ લવ મેરેજ કર્યા હોવાથી સાસુ સુનંદા તેની સાથે અવરનવર ઝઘડો કરતી હતી.
અંજલિના પિતા રામઅવતારે અંજલિના પતિ રોહિત શંભાજી કોળી (રહે., વૃંદાવન ધામ સોસાયટી, વ્યારા) તથા તેની સાસુ સુનંદાબેન શંભાજી કોળી (હાલ રહે., સર્વોદયનગર, સોનગઢ) ઉપર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ સમગ્ર હત્યાનાં પ્રકરણમાં અંજલિનાં સાસુ સુનંદા અને સસરા શંભાજી સહિત અન્ય એકનું નામ ખૂલતાં પોલીસે મંગળવારે તેમની ધરપકડ કરી હતી.
આંતરજ્ઞાતિય પ્રેમલગ્નમાં દ્વેષભાવ રાખી હત્યા કરાઈ
તાપી જિલ્લાના ડીવાયએસપી સી.એમ. જાડેજાએ કહ્યું, પુત્રવધૂની હત્યામાં સાસુ સહિત ત્રણની સંડોવણી બહાર આવી છે. આંતરજ્ઞાતિય પ્રેમલગ્નમાં જુદી જુદી જ્ઞાતિનો બાધ નડતો હોવાથી તેનો દ્વેષ રાખી આ હત્યા કરવામાં આવી છે.