પારડી: (Pardi) પારડી નજીક ખડકી ઓવરબ્રિજ (Over Bridge) ઉપર ગુરુવારે રાત્રે અમદાવાદથી કોલ્હાપુર જતી એસી લક્ઝરી બસમાં (Bus) અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોકે, તેમાં સવાર 18 મુસાફરનો (Passengers) ચમત્કારિક બચાવ થયો હતો. જેમાં 5 થી 7 જેટલા સાડીના વેપારીઓ ની કિંમતી સાડીઓના પોટલાં સહિત અન્ય મુસાફરોના માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.
- પારડી ખડકી ઓવરબ્રિજ ઉપર લક્ઝરી બસમાં અચાનક આગ, 18 મુસાફરનો ચમત્કારિક બચાવ
- બસમાં મુસાફરોનો કિંમતી લાખો રૂપિયાની સાડીઓ તેમજ અન્ય માલ સામાન બળીને ખાક
- ઘટનાને પગલે ઓવરબ્રીજનો માર્ગ 2 કલાક સુધી બંધ, વાહનોની લાંબી કતાર
પારડી નજીક ખડકી રેમન્ડ સામે હાઇવે ફ્લાય ઓવરબ્રિજ ઉપર અમદાવાદ થી મુંબઈ તરફના ટ્રેક પર ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ કંપનીની લક્ઝરી બસ કોલ્હાપુર જતી હતી. જે બસમાં અચાનક આગ લાગતા તેની જાણ ફાયર બ્રિગેડ અને પારડી પોલીસ ને કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. પારડીના મામલતદાર આર. આર. ચૌધરી તેમજ પારડી પોલીસની ટીમ સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. વાપી, પારડી, વલસાડથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી, પરંતુ તે પહેલાં તો લક્ઝરી બસે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં જોત જોતામાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી.
બસમાં બેઠેલા 18 જેટલા મુસાફરોનો માલસમાન આગમાં બળી ગયો હતો. મુસાફરોએ જેટલો માલસામાન હાથમાં લાગ્યો તેટલો તેઓ બચાવી શકયા હતા. બસમાં બેઠેલી અને સાડી વહેચતી મહિલાનો લાખો રૂપિયાનો માલસમાન આગમાં બળી જતાં તેઓ ભાવુક બન્યા હતા. પારડી,વાપી,વલસાડના ફાયર જવાનોએ આગને કાબૂમાં કરી દીધી હતી. આ ઘટનાનાને પગલે ખડકી ઓવરબ્રીજનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈ હાઇવે પર બે કલાક સુધી ટ્રાફિકની લાંબી કતાર લાગી ગઈ હતી, જેને પોલીસે કંટ્રોલ કરી હતી.