પારડી: (Pardi) વલસાડ એલસીબીના (LCB) પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા દારૂના ધંધામાં કેસ કરવાની ધમકી આપી ત્રણ લાખની લાંચ માગી હતી. જેને પગલે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. પરંતુ કોન્સ્ટેબલ (Constable) એસીબીની ટીમને જોઈ ભાગી છૂટ્યો હતો. રૂપિયા 3 લાખની લાંચ માંગી લાંચની રકમ કોન્સ્ટેબલ આશિષે પોતાની ગાડીમાં મૂકાવી હતી. જોકે છટકા મુજબ ભરૂચ એસીબીની ટીમે રેઈડ પાડી તે જોઈ લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલ ગાડી છોડી ફરાર થઈ ગયો હતો. જેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- રૂપિયા 3 લાખની લાંચની રકમ ગાડીમાં મુકી પણ એસીબીની રેઈડ જોઇ કોન્સ્ટેબલ ભાગી ગયો
- દારૂના ધંધામાં કેસ કરવાની ધમકી આપી વલસાડ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલે ત્રણ લાખની લાંચ માગી હતી
મળતી વિગત મુજબ, એસીબીને ફરિયાદ કરનાર અગાઉ ઈંગ્લિશ દારૂનો ધંધો કરતો હતો. હાલ ફરિયાદી દારૂનો ધંધો કરતો નહીં હોવા છતાં તેને વલસાડ જિલ્લામાં દારૂના કેસોમાં ખોટી રીતે તેનું નામ ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશિષ માયાભાઈ કુવાડિયાએ તેના માટે રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે રૂપિયા 3 લાખ આપવાના નક્કી થયા હતાં. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતો નહીં હોય જેથી તેણે એસીબી ભરૂચમાં આ અંગે ફરિયાદ આપી હતી.
જેના આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. તે મુજબ પારડી તાલુકાના ઉદવાડા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર આવેલા ગેરેજ પાસે વલસાડ એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા (રહે. શુભમ ગ્રીન સીટી, બગવાડા)એ નક્કી કરેલી રૂપિયા 3 લાખની રકમ સ્વીકારી પોતાની ગાડીમાં મૂકાવી હતી. તે જ સમયે એસીબી ભરૂચની ટીમે રેઈડ કરી હતી. જે જોઈને પોલીસ કોન્સ્ટેબલ ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. જેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ટ્રેપ સુપરવિઝન અધિકારી એ.સી.બી વડોદરા મદદનીશ નિયામક પી.એચ.ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાની ટીમે ટ્રેપ ગોઠવી હતી.