પારડી: (Pardi) પારડીના મોતીવાડા હાઇવે (Highway) પર પોલીસે ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં દારૂના (Alcohol) જથ્થાને ઝડપી પાડી બુટલેગરોના કીમિયાને નાકામ કર્યો હતો. વલસાડ એલસીબી (LCB) ટીમને મળેલી બાતમીના આધારે મોતીવાડા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ટેમ્પો આવતા અટકાવી ટેમ્પામાં તપાસ કરતા પ્લાસ્ટિકના ડ્રમ મળી આવ્યા હતા.
- બુટલેગરોની દારૂ હેરાફેરીની નવી તરકીબ : પ્લાસ્ટિકના ડ્રમમાં દારૂના પાઉચ ભર્યા અને કેમિકલના બિલ બતાવ્યા
- પારડીના મોતીવાડા હાઇવે પર ટેમ્પામાં કેમિકલ ડ્રમની આડમાં રૂપિયા 7 લાખના દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા
જેમાં કેમિકલ ભર્યું હોવાનું ટેમ્પો ચાલક લાલજી ખેંગાર ડાંભલા અને ક્લીનર બુધા સોંડા ચાવડા (બંને રહે. સુરત કતારગામ)એ જણાવી બિલ્ટી કાગળો રજૂ કર્યા હતા. પોલીસે કેમિકલ ભરેલા 37 જેટલા ડ્રમ ચેક કરતા દારૂની બોટલો અને ટેટ્રાપેકના પાઉચ નંગ 6396 જેની કિં.રૂ 7 લાખ 2 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો અને દારૂ મળી કુલ રૂ.12.13 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. દારૂના જથ્થા અંગે પૂછતા દમણ ભેંસલોરનો કિરણ ઉર્ફે છનિયો બાબુ પટેલ, ભાવેશ ઠાકોર પટેલ (રહે.દમણ દલવાડા), નિલેશ ઉર્ફે નિલ્યો ઘોડો બીરેન્દ્રસિંગ રાજપૂત ઉદવાડા રેંટલાવ તેમજ અન્ય ત્રણ ઇસમ સહીત 6 ઇસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પારડી હાઇવે પર કારમાં દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 વલ્લભ આશ્રમ સામે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કારમાં દારૂની હેરાફેરી કરતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કારને રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂ વિસ્કીની બોટલ નંગ 600 જેની કિં.રૂ.30,000 દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિં.રૂ. 3 લાખ, મોબાઈલ સહિત કુલ રૂ. 3.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર ચાલક બુટલેગર સોમિતસિંઘ નંદકિશોર સિંગ (રહે.વેરાવળ, ગીર સોમનાથ, મૂળ રહે. બિહાર)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર નરોત્તમ ભગવાનદાસ લશ્કરી અને ચંદ્રેશ રામભાઈ ચંદ્રાણી (બંને રહે. વેરાવળ, ગીર સોમનાથ)ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.