પારડી: (Pardi) પારડી હાઈવે (Highway) ચાર રસ્તા બ્રીજ ઉતરતા બાઈક ચાલકને ગંભીર અકસ્માત થતા તેનું મોત થયું હતું. બ્રીજ ઉતરતાં બાઈક સ્લીપ થઈ હતી અને પાછળ દોડી રહેલા વાહનના ટાયર નીચે રેંટલાવનો બુટલેગર (bootlegger) યુવક કચડાઈ ગયો હતો. આ ઘટનામાં બાઈકની (Bike) ટાંકીમાં રાખેલ દારૂની બોટલો માર્ગ પર ફંગોળાઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક (Traffic) વ્યવહાર ખોરવાયો હતો. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- પારડી હાઈવે પર બાઈક સ્લીપ થઈ અને પાછળ દોડી રહેલ વાહનના ટાયર નીચે બુટલેગર યુવક કચડાયો
- રેંટલાવનો બુટલેગરે બાઈકની ટાંકીમાં ચોરખાનું બનાવેલ હોય દારૂની બોટલો માર્ગ પર ફંગોળાઈ
મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ પારડીના રેંટલાવમાં સૂર્યભાન શિવમૂર્તિ સિંહ બાઈક નં. જીજે-15 ડીએચ-8209 લઈને પારડી ચાર રસ્તા હાઈવે બ્રીજ ઉતરી રહયો હતો ત્યારે અચાનક બાઈક સ્લીપ થઈ હતી. આ અકસ્માતમાં પાછળથી દોડી રહેલ અન્ય કોઈ વાહનની અડફેટે આવી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. ઘટનાની પારડી પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકના ખિસ્સા તપાસ કરતા ડોકયુમેન્ટ મળી આવતા ચાલકનું નામ સૂર્યભાન સિંહ હોવાનું જણાયું હતું. બાઈકની પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ધારાગીરી ગામના આધેડનું પૂર્ણા નદીમાં ડૂબી જતા મોત
નવસારી : ધારાગીરી ગામના આધેડનું પૂર્ણા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ધારાગીરી ગામે ભાઠા ફળીયામાં જીતુભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ. 44) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 27મી ફેબ્રુઆરીએ જીતુભાઈ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેઓ મોડી સાંજ સુધી પરત ઘરે ફર્યા ન હતા. જેથી પરિવારજનોએ તેમની આજુબાજુના વિસ્તારમાં તેમજ સગાં-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ જીતુભાઈનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જયારે ગત 1લીએ ધારાગીરી ગામની હદમાં આવેલી પૂર્ણા નદીમાંથી જીતુભાઈની લાશ મળી આવતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે લલીબેનની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વાય.જી. ગઢવીએ હાથ ધરી છે.