પારડી : પારડીના (Pardi) સુખેશ ગામે બાઈક પર જઈ રહેલા માતા-પુત્રી અને મામાને પાછળથી આવતા કાર ચાલકે (Car Driver) અડફેટે લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જ્યાં ઘટના સ્થળે આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા. ત્યારે પારડીથી આવતી મોપેડના ચાલકે પુરઝડપે હંકારી એકત્ર થયેલા ટોળાને અડફેટે લેતા આઠ લોકોને ઇજા પહોંચી હતી. આ વિચિત્ર અકસ્માતમાં એકનું મોત (Death) નિપજ્યું હતું. જે ઘટનાને પગલે સ્થળ પર મામલો ગરમાયો હતો. તે અરસામાં કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. 8 થી 10 ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આનંદ બ્રહ્મભટ્ટનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું.
પારડીના સોંઢલવાડા ગામે રહેતા દિવ્યેશ પ્રમોદ પટેલ, તેની બહેન દીપિકા પટેલ અને દીપિકાની પુત્રી શ્રુતિ પટેલ સુખેશ ગામે શાળાનો પ્રોગ્રામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સુખેશ ત્રણ રસ્તા પાસે પાછળથી આવતી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણેય નીચે પટકાતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે અરસામાં પારડી તરફથી આવી રહેલા મોપેડના ચાલક હિત જયેશ પટેલ (રહે રાબડી) અને તેની પાછળ બેસેલ મિતેશ અંબુ નાયક (રહે. નેવરી)એ મોપેડ પુરઝડપે હંકારી ટોળાને અડફેટે લેતા આઠ લોકોને ઈજા પહોંચી હતી.
જેમાં જયંતી પટેલને જમણા પગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આનંદ રજની બ્રહ્મભટ્ટ (રહે સુખેશ)ને ગંભીર ઈજા પહોંચતા સુરત હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આનંદનું મોત નીપજ્યું હતું. ઉપરાંત હિમેશ મૈસુરિયા, રમેશ પટેલ અને નિલેશ પટેલને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મોપેડ ચાલક મિતેશ નાયકને અને પાછળ બેસેલા ધ્રુહિત પટેલને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાઈક ચાલક દીપેશ પટેલ અને શ્રુતિ પટેલને નાની મોટી ઇજા પહોંચી હતી. જો કે માતા દિપીકાબેનને કમરના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. તે દરમ્યાન કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ અંગે પારડી પોલીસ મથકે મોપેડ ચાલક વિરુદ્ધ સુખેશ ગામના સરપંચ પુનિત પટેલે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.