Gujarat Main

પેપરલીક કાંડમાં મોટો ધડાકો : પરીક્ષા પહેલાં જ 40 પરીક્ષાર્થીને પાસ કરવાનો રચાયો હતો કારસો, 15 લાખમાં વેચાયા હતા પેપર

ગાંધીનગર : સાબરકાંઠા હેડ કલાર્ક પેપર લીક (Head clerk paper leak) કાંડમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. પેપરલીક થયાના 6 દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યું હોવાનું સ્વીકાર્યું છે. પેપરલીકના આ કૌંભાડમાં એક પછી એક પત્તા ખુલતા જાય છે. ગૃહમંત્રી ( Home minister) હર્ષ સંઘવી(Harsh sanghvi)એ પ્રેસ કોન્ફરન્સમાં તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં 11 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ આપના નેતા યુવરાજસિંહે (Yuvraj Singh)સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરા (Asit Vora )ને પદ પરથી છૂટા કરો નહી તો આંદોલનનો માર્ગ અપનાવીશું. આ ઘટનાક્રમ વચ્ચે નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. એવી વાત બહાર આવી છે કે પરીક્ષા પહેલાં જ 40 પરિક્ષાર્થીઓને પાસ કરવાનો નક્કી કરી દેવાયું હતું. તો બીજીતરફ હવે સ્ટાફ નર્સનું પેપર પણ લીક થયાની વાત બહાર આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં પેપરલીક થયાનું કબૂલ્યું હતું પરંતુ ત્યાર બાદ આપના નેતા યુવરાજસિંહે સરકાર વિરૂદ્ધ આંદોલનની ચિંમકી ઉચ્ચારી હતી. યુવરાજસિંહે કહ્યું કે જ્યાં સુધી કેસની તપાસ ચાલું છે ત્યાં સુધી અસિત વોરાને પદ પરથી દુર કરવામાં આવે નહીં તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું. આપના નેતા યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સાથે જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે પેપર રદ થાય, પરંતુ જ્યાં સુધી આ કેસની તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો કે પેપર લીક કરનાર સૂત્રધારોને રાજકીય નેતાનો સપોર્ટ મળતો હોય છે. ઉલ્લેખનીય છે કે 186 જેટલી હેડ કલાર્કની પરીક્ષા માટે 88,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકાર બન્ને સંયકત્ત રીતે આ હેડ કલાર્કની પરીક્ષા રદ કરવી કે કેમ ? તે મુદ્દે આખરી નિર્ણય લેવાશે.

આરોપીઓના નામ

  • જયેશ ઈશ્વર પટેલ, ઉંછા તા. પ્રાંતિજ
  • જશવંત પટેલ, ઉંછા તા. પ્રાંતિજ
  • દેવલ જશવંત પટેલ, ઉંછા તા. પ્રાંતિજ
  • ધ્રુવ બારોટ, બેરણા તા. હિમંતનગર
  • મહેશ પટેલ, ન્યૂ રાણીપ, અમદાવાદ
  • ચિંતન પટેલ, વદરાડ તા. પ્રાંતિજ
  • કુલદીપ પટેલ, કાણીયોલ તા. હિંમતનગર
  • દર્શન વ્યાસ, હિમંતનગર
  • સતીષ ઉર્ફે હેપ્પી પટેલ, પાટનાકુવા તા. તાલોદ
  • સુરેશ પટેલ, તાજપુરી કુંડોલ તા. હિંમતનગર
  • મહેન્દ્ર પટેલ,પોગલુ તા. પ્રાંતિજ

પરીક્ષા પહેલાં જ 40 પરીક્ષાર્થીઓને પાસ કરવાનું નક્કી કરાયું હતું, 10થી 15 લાખમાં વેચાયા હતા પ્રશ્નપત્રો

પેપરલીક કાંડની તપાસમાં 11 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રશ્નપત્ર પરિક્ષા પહેલા 40 ઉમેદવાર સુધી પહોંચી ગયું હતું અને પરિક્ષા લેવા પહેલા જ આ 40 લોકો નક્કી થઈ ગયા હતા. તપાસમાં એમ પણ જાણવામાં મળ્યું કે પ્રશ્નપત્રને 10-15 લાખમાં વેચવામાં આવ્યા હતા. અને પ્રશ્નપત્રને 4 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યા હતા.

11 પૈકી એક આરોપી ચૂંટણી લડી રહ્યો હોય રાજકારણ ગરમાયું

ચૂંટણી સમય દરમિયાન પેપરલીક કૌંભાડનો મામલો ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે. ફરિયાદમાં નોંધાયેલા 11 નામ પૈકી એક આરોપી ચૂંટણી લડે છે. મહેન્દ્ર એસ. પટેલ પેપરલીક કૌંભાડનો આરોપી છે અને તે પ્રાંતિજાના પોગલુ ગામથી ચૂંટણી લડે છે. ઉલ્લેખનીય છે કે પોગલુ ગામે આરોપીના સંરપચ તરીકે ચૂંટણી લડે છે તેના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ હેડ કલાર્ક પેપરલીક કૌંભાડ બાદ હવે સ્ટાફ નર્સની પરિક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે. જેમાં સ્ટાફ નર્સ પરિક્ષાનું પણ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. સ્ટાફ નર્સ પરિક્ષા પેપરલીકના આરોપ બાદ ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમાં ભરતી કરાયેલા સ્ટાફ નર્સને છૂટા કરવાની માંગ કરાઈ છે. સ્ટાફ નર્સની પરિક્ષા 20 જૂનના રોજ લેવાય હતી. પકડાયેલા આરોપીએ સ્ટાફ નર્સનું પેપર ફોટ્યું હોવાનું સ્વીકાર્યું છે. તેથી ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશને દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top