અમદાવાદ : (Ahmedabad) પેપર લીક કાંડમાં (Paper leak scam) આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોની ધરપકડ (Arrest) બાદ આજે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડના વિરોધમાં આજે આપના અન્ય નેતાઓ અન્ન ત્યાગ કરી ઉપવાસ ધરણાં (Fasting picket) પર બેસવાના હતા, પરંતુ તેઓ ધરણાં પર બેસે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત (Detention) કરી લીધી હતી. આજે અટકાયત કરાયેલા નેતાઓમાં સુરતના (Surat) મહેશ સવાણીનો (Mahesh Savani) પણ સમાવેશ થાય છે.
હેડક્લાર્કની (Head Clark ) પરીક્ષાના (Exam) પેપરલીક મામલે ગાંધીનગરના ભાજપ (BJP) કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં તેઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા છે. આ કેસમાં આજે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ યાદવે એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને સબોંધતા ગુલાબસિંહ યાદવે કહ્યું હતું કે, સરકાર મુખ્ય ગુનેગારોને છાવરી રહી છે. અત્યાર સુધી અસિત વોરા સામે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પેપરલિક કેસમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે, અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ. તેવી અમારી માંગણી છે, પરંતુ ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે.
યાદવે પ્રેસકોન્ફરન્સમાં એલાન કર્યું હતું કે, તેઓ સહિત આપના અગ્રણી નેતાઓ આજે કલેક્ટર ઓફિસ બહાર ધરણાં પર બેસશે. યાદવે કહ્યું આજથી હું અને મહેશ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ. આપના નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે, અમે ભૂખ હડતાળ પર બેસવાના છીએ. ભરતી પરીક્ષાના પેપરો ખાનગી પ્રેસમાં છપાયા હતાં જે ખોટું છે. 4 પેપરોમાંથી ફાઈનલ પેપર અસિત વોરાએ સિલેક્ટ કરવાનું હોય છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાજ્યમાં 2016થી પેપરો લીક થાય છે. જોકે, આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓ ઉપવાસ પર બેસે તે પહેલાં જ કલેક્ટર કચેરી ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસ રેલી કાઢે તે પહેલાં જ નેતાઓની અટકાયત
પેપરલીક કેસમાં ભાજપના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રેલી કાઢવામાં આવે તે પહેલાં જ કોંગ્રેસના 30 જેટલાં નેતા અને કાર્યકરોની અટકાયત કરી લેવાઈ છે. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી નીકળવાની હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર NSUIના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરાઈ છે. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે. જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ. કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.