ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી હાલમાં ચાલી રહી છે, ત્યારે શુક્રવારે પરીક્ષા શરૂ થયાના અડધા કલાક પહેલા જ ધોરણ 10 વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં લીક થતા ચકચાર મચી ગઇ હતી. આ અંગેની જાણ શિક્ષણ બોર્ડને થતાં આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. આ પેપર ગાંધીનગરમાં ફરતું થયું હોવાના કારણે બોર્ડની પરીક્ષામાં રાખવામાં આવતી ગોપનીયતામાં મોટી બેદરકારી સામે આવી છે.
સોશિયલ મીડિયા પર આ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ફરતું થયું હતું. ટ્યુશન ક્લાસીસ દ્વારા આ પ્રશ્નપત્ર લીક કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાનમાં માધ્યમિક શિક્ષણ બોર્ડને આ અંગેની જાણ થતા સમગ્ર ઘટનાની તપાસના આદેશો આપવામાં આવ્યા છે, અને જવાબદારો સામે કડક પગલા લેવા આદેશ કર્યા છે. સાથે જ બોર્ડ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય સીલબંધ કવરમાં આપવામાં આવે, તેમ જ પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં રહે તે ખૂબ જ જરૂરી છે.
- પેપર વાયરલ કરનારા ટ્યુશન સંચાલકને શોધવા શિક્ષણ બોર્ડ દ્વારા તપાસના આદેશો
- પેપર ફરતું થઈ ગયાની જાણ થવા છતાં પરીક્ષા રોકવાના કોઈ પ્રયાસો કેમ ન કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવે તમામ જિલા શિક્ષણાધિકારીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં બોર્ડનું પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ફરતું થયું છે. પરંતુ બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર સીલ કરીને આપવામાં આવે છે જે જાહેરમાં ફરતું થયું છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય શાળા કક્ષાએ સીલ બંધ આપવાની જવાબદારી છે. જે સ્કૂલે બોર્ડનું પ્રશ્નપત્ર સ્વીકારીને બોર્ડના સમય પત્રક મુજબ પરીક્ષા લીધી હોય છતાં તેનું પાલન ના કર્યું હોય તેમની વિરુદ્ધ પગલાં લેવા. પ્રશ્નપત્રની ગોપનીયતા ખુબ જરૂરી છે જેથી જવાબદાર સામે DEO કક્ષાએથી પગલાં લેવા.
લીક થઈ ગયેલું ધો.10નું વિજ્ઞાનનું બોર્ડનું પેપર ટ્યુશન કલાસનાં સંચાલક પાસે કેવી રીતે આવ્યું તેની તપાસ કરવામાં આવશે તેમજ તપાસના અંતે જરૂર જણાશે તો ટ્યુશન ક્લાસનાં સંચાલક સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. નવાઈની વાત એ હતી કે, ટ્યુશન ક્લાસનાં સંચાલક દ્વારા પેપર વાયરલ કરવામાં આવતા જ અન્ય ક્લાસિસનાં સંચાલકોએ તાબડતોબ પોતાના કલાસમાં આવતાં ધોરણ -10નાં વિદ્યાર્થીઓનાં એકસ્ટ્રા ક્લાસ પણ શરૂ કર્યા હતા. બીજા દિવસે એ જ પેપર બેઠે બેઠું પરીક્ષામાં પુછાયુ પણ હતું. આ બાબત શાળાના તેમજ તંત્રના સંચાલકોના ધ્યાન પર પણ આવી હતી. તેમ છતાં પરીક્ષા રોકવા માટે કોઈ પગલા ન ભરાય અને આખરે ધોરણ – 10 નું વિજ્ઞાનનું પેપર પણ ફૂટી ગયું હતું.
શું છે પરીક્ષાની આખી સિસ્ટમ?
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે કોઈ પણ શાળા પોતાના વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષા માટે પેપર ઈશ્યુ ન કરે અને બોર્ડની બ્લૂપ્રિન્ટ પ્રમાણેનું પેપર જે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય તેના ઉપર પણ પરીક્ષા લઈ શકે છે. ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે તૈયાર કરેલું પેપર જેતે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવે છે. ત્યારબાદ શાળાના આચાર્યને આપવામાં આવે છે. આમ, આ સિસ્ટમથી વિદ્યાર્થીઓની એકમ કસોટી યોજવામાં આવે છે, જેમાં બોર્ડનું પેપરથી બોર્ડની પદ્ધતિથી પરીક્ષા લેવી કે નહીં તે માટે કોઈ ફરજિયાત નથી, પરંતુ અમુક શાળા દ્વારા બોર્ડના પેપરની એકમ કસોટી લેવામાં આવે છે.