Vadodara

પાણીપુરીનું બગડેલું પાણી, ચણા અને બટાકાના જથ્થાનો નાશ કરાયો

વડોદરા: વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવર વકર્યો છે.જેના કારણે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.અને ડોર ટુ ડોર સર્વે ઉપરાંત ફોગીંગ અને દવાનો છટકાવ કર્યો છે.દરમિયાન ગુરુવારે પાલિકની આરોગ્ય વિભાગની જુદી જુદી ચાર ટીમોએ વડોદરા શહેરના સમા ,છાણી ,ન્યાયમંદિર અને વાઘોડિયા રોડ ઉપર પાણીપુરીનું વેચાણ કરતી લારીઓ અને સંચાલકોની ત્યાં દરોડા પાડયા હતા.અને પાણીપુરીનું પાણી નગરજનોના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ કબ્જે લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે પાલિકાની સભામાં શહેરમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે અખાદ્ય ખોરાકનું થતું વેચાણ રોકવા અને ચેકિંગ કરીને દંડનીય કાર્યવાહી કરવા તેમજ કસૂરવારોના લાયસન્સ જપ્ત કરી લેવા રજૂઆત થતાં કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ખોરાક શાખા હરકતમાં આવી છે. આરોગ્ય વિભાગના ફુડ સેફટી ઓફિસરોની ચાર જુદી જુદી ટીમોએ શહેરમાં ચેકિંગ હાથધર્યું હતું. પાણીપુરીની લારીઓ સહિત સંચાલકોને ત્યાં ચેકિંગ કર્યું હતું.

જોકે પાલિકાએ થોડા દિવસ અગાઉ શહેરમાં પાણીપુરીના 177 યુનિટો પર ચેકિંગ કર્યું હતું જેમાં બગડેલું પાણી, ચટણી, બટેટા વગેરેનો નાશ કર્યો હતો.ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે આ પ્રકારનું ચેકિંગ એક દિવસ કરીને શા માટે બંધ કર્યું તેવો સવાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ અને સારું ખાવાનું મળે તે પાલિકાની જવાબદારી છે.નોંધનીય છે કે પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.અને આગામી દિવસોમાં પણ ચેકિંગ યથાવત રહેશે.

25 – લારીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમ્યાન 50 – કિલો પાણીપુરીનું પાણી તેમજ 30 – કિલો અન્ય અખાદ્ય ચીજો જેવીકે પાણીપુરી, બટાકા , ચટણી , ચણાનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.ચેકીંગ દરમ્યાન પાણીપુરીનું પાણી, ચટણી, બટાકા, ચણા વિગેરેનાં 9 – નમુના લેવાયા હતા.જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ 4 – ફુડ બિઝનેશ ઓપરેટરોને સ્વચ્છત્તા બાબતે શિડયુલ -4 ની નોટીસ આપવામાં આવી છે.આમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને રુલ્સ અને રેગ્યુલેશન -2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી હાલ ચાલુ રહેશે.

Most Popular

To Top