સુરત(Surat): સુરતના લોકો ખાવાપીવાના શોખીન છે. એટલે જ સુરતમાં લારી, ફૂડ ટ્રક, રેસ્ટોરન્ટ ખૂબ ચાલે છે. અહીં દર બીજા રસ્તા પર લારીઓમાં અવનવી સ્વાદિષ્ટ વાનગીનું વેચાણ થતું હોય છે. હોટલ રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટી આઈટમો મળતી હોય છે. લારી, રેસ્ટોરન્ટમાં રોજ ભીડ જામતી હોય છે. લોકો મોટા ભાગે પનીરની સબ્જીનો જ ઓર્ડર કરતા હોય છે, પરંતુ હવે સુરતની હોટલોમાં પનીરનો ઓર્ડર કરતા પહેલાં વિચારજો. હોટલ રેસ્ટોરન્ટમાં મળતી પનીરની વાનગીઓ અંગે એવા સમાચાર બહાર આવ્યા છે જે જાણીને સ્વાદના શોખીનોને આઘાત લાગશે.
વાત એમ છે કે સુરતની હોટલ, રેસ્ટોરન્ટ, લારીઓ પર મળતી પનીરની વાનગીઓમાં ઓરિજિનલ પનીરનો ઉપયોગ થતો નથી. મોટા ભાગે નકલી પનીરનો ઉપયોગ થાય છે. આ નકલી પનીર વલસાડથી સુરતમાં આવે છે. નકલી પનીરના રેકેટને સુરત મનપાના આરોગ્ય ખાતાએ ઝડપી પાડ્યું છે.
બાતમીના આધારે સુરત મનપાના આરોગ્ય ખાતાએ પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોગ્ય ખાતાએ એક ટેમ્પોમાઁથી 230 કિલો અખાદ્ય પનીર પકડ્યું છે. આ પનીર વલસાડથી સુરતમાં લાવવામાં આવ્યું હતું. તે સપ્લાય કરાઈ રહ્યું હતું ત્યારે સુરત મનપાના આરોગ્ય ખાતાએ પકડી પાડ્યું હતું. ત્યાર બાદ ફૂડ વિભાગને જાણ કરાઈ હતી. ફૂડ વિભાગે અખાદ્ય પનીરને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલ્યું છે.
મનપાના આરોગ્ય અધિકારી જગદીશ સાળુંકેએ કહ્યું કે, અમને ફોન પર બાતમી મળી હતી, જેના આધારે વિભાગ દ્વારા રેઈડ કરાઈ હતી. ટેમ્પોમાંથી પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તે પનીર અખાદ્ય હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે.
150 રૂપિયામાં હોટલ રેસ્ટોરન્ટમાં પનીર વેચાય છે
બજારમાં સામાન્ય રીતે પનીરની પ્રતિ કિલોગ્રામની કિંમત 400થી 450 રૂપિયા હોય છે, પરંતુ વલસાડથી આવેલું આ અખાદ્ય પનીર માત્ર 150 રૂપિયામાં વેચાતું હતું. તે મોટા ભાગે સુરતની હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો ખરીદતા હોય છે. સુરતના પાંડેસરાનો ભરત તોમર નામનો ઈસમ આ પનીર વલસાડના ઉત્પાદક પાસેથી ખરીદતો હતો. તેનો ડ્રાઈવર ચંદ્રશેખર પનીર વલસાડથી સુરત લાવી રહ્યો હતો ત્યારે પકડાયો હતો. ભરત તોમર પાંડેસરા અને ઉધનાની હોટલ, રેસ્ટોરન્ટમાં 180 રૂપિયામાં આ પનીર વેચતા હતા.