પલસાણા: (Palsana) પલસાણાના સોયાણી ગામે રહેતો ભંગારનો વેપારી પોતાના વતન પરિવાર સાથે ગયો હતો. જે દરમિયાન તેમના મકાનનું તાળું તોડી 2.16 લાખની ચોરીની (Thief) ઘટનામાં માતા અને દીકરાને પલસાણા પોલીસે (Police) ઝડપી પાડ્યાં હતાં.
- આ તે કેવી માં: સારા પાઠ ભણાવવાને બદલે દીકરાને ચોરી કરવાના રવાડે ચઢાવ્યો
- પલસાણાના સોયાણી ગામે ભંગારના વેપારીને ત્યાંથી 2.16 લાખની ચોરીની ઘટનામાં માતા-પુત્ર ઝડપાયાં
મૂળ રાજસ્થાનના રાજસમંદ અને હાલ પલસાણાના સોયાણી ગામે પાણીની ટાંકીની પાછળ આવેલી સાકાર સોસાયટીના ૧૨ નંબરના મકાનમાં રહેતા ગોપાલ બંસીલાલ વ્યાસ (ઉં.વ.૫૧) જોળવા ગામે ભંગારનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત ૧૬ ઓગસ્ટે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા વતન રાજસ્થાન ગયા હતા. ગત ૧૮ ઓગસ્ટે પરત ફરતાં તેમણે પોતાના મકાનનું તાળું તૂટેલું જોતાં તપાસ કરતાં ડ્રેસિંગ રૂમમાં દીવાલ પર લગાવેલું ૪૦ હજારની કિંમતની LED તેમજ બેડરૂમમાં મૂકેલાં ઘરેણાંનું બોક્સ ચોરાઈ ગયું હોવાથી ગોપાલ વ્યાસે આ અંગે પલસાણા પોલીસમથકમાં ૨.૧૬ લાખની મતા ચોરાવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોરીનો સામાન વેચવા માટે આરોપી સામાન સાથે જોળવા ગામથી કડોદરા જતા રોડ પર ઊભેલો છે. જેના આધારે પોલીસે સ્થળ પરથી અજય શિવા જાદવ (ઉં.વ.૨૨) તથા તેની માતા રસુ (ઉં.વ.૪૬) (બંને રહે., આરાધના લેકટાઉન સોસાયટી, જોળવા, મૂળ રહે., મધ્યપ્રદેશ)ને ચોરીના સામાન સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન રસુબેન પોતાના દીકરા અને સોસાયટીના અન્ય યુવકો સાથે દિવસમાં રેકી કરી ચોરી કરાવતી હોવાનું બહાર આવ્યું હતું.
માનસિક અસ્થિર આરોપીનો ભરૂચ એ ડિવિઝનના પોલીસકર્મી ઉપર પાઇપથી હુમલો
ભરૂચ: ભરૂચ એ ડિવિઝનમાં PSO કર્મી ઉપર હુમલો થતાં પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે. અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સને PCR ટીમે પોલીસ સ્ટેશનને સોંપાયેલા પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઉપર હુમલો કરતાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCRની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા. એ વેળા અચાનક પોલીસકર્મી ભીમસિંગભાઈને માથામાં પાઈપનો ઘા મારીને હુમલો કરી દીધો હતો. જેનાથી પોલીસકર્મી લોહીથી લથબથ થઇ ગયા હતા. આરોપી પાસે પાઇપ કઈ રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો એ પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે.