પલસાણા: (Palsana) પલસાણાના અંત્રોલી ગામે દેશી દારૂની ભઠ્ઠી (Country Brewery) ઘણા લાંબા સમયથી ધમધમી રહી છે. અને આ ભઠ્ઠીઓમાંથી નીકળતો દેશી દારૂ સુરત શહેર તેમજ આસપાસનાં ગામોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Cell) ટીમને બાતમી મળતાં તેમણે દરોડો પાડતાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાનો સામાન કબજે કરી કુલ ૧.૬૬ લાખના મુદ્દામાલ સાથે ૧૩ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- સ્ટેટ મોનિટરિંગ સેલનો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, ૧૩ લોકો સામે ગુનો
- દેશી દારૂ, ગોળનું પાણી, મોબાઇલ સહિત 1.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પલસાણામાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી. કે, અંત્રોલી ગામે મામાદેવના મંદિર પાસે આવેલા તળાવના કિનારે ઝાડી-જાંખરાવાળી જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. આથી તપાસ કરતાં પોલીસને ૮૦૦ લીટર દેશી દારૂ, ગોળનું પાણી ૧૦ હજાર લીટર, ૩ બાઇક, ૭ નંગ મોબાઇલ, તગારાં નંગ-૯, બેરલ નંગ-૮૬, ૩૫ લીટરના કેન નંગ-૨૧ તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ ૧,૬૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી દારૂની ભઠ્ઠીઓ ચલાવનાર તેમજ તેનું વેચાણ કરતા કિશોર ઠાકોર રાઠોડ (રહે., અંત્રોલી, ભૂરી ફળિયું), ગીરીશ જાલુ વસાવા (રહે., આડગામ, જિ.તાપી), વેલીસ વેચ્યા વસાવા (રહે., ચાંદપુર, તા.ઉચ્છલ), તેમજ અન્યો સામે કડોદરા પોલીસમથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડોદરામાં પોલીસને જોતાં ચાલક દારૂ ભરેલી કાર મૂકી અંધારામાં પલાયન
પલસાણા: કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન કડોદરા ચાર રસ્તા પાસે દારૂ ભરેલી એક કારને થોભવા માટે ઇશારો કરતાં ગાડીના ચાલકે પૂરઝડપે હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતાં અંત્રોલી ગામે રોડની સાઇડમાં ગાડી ઊભી રાખી ચાલક ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગાડીમાંથી ૪૮ હજા૨નો દારૂ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ ગત સોમવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક સ્વિફ્ટ કાર નં.(ડીએન ૦૯ એચ ૨૮૫૪)માં વિદેશી દારૂ ભરી પલસાણાથી કડોદરા ચાર રસ્તા પરથી સુરત તરફ જઇ રહી છે. જેને લઇ કડોદરા પોલીસની ટીમે કડોદરા ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર ત્યાં આવી પહોંચતાં પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી. છતાં ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતાં ગાડીનો ચાલક પકડાઇ જવાના ડરથી કડોદરા-સુરત હાઇવે પર અંત્રોલી ગામે ત્રણ રસ્તા પાસે ગાડી ઊભી રાખી અંધારાનો લાભ લઇ ખેતરાડીમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં રૂ.૪૮,૩૨૫નો દારૂ, કાર કિં.રૂ.૩ લાખ, મોબાઇલ કિં.રૂ.૫૦૦૦ મળી કુલ ૩,૫૩,૩૨૫ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કારચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તવજવી હાથ ધરી છે.