પલસાણા: પલસાણા (Palsana) ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં (CHC) ચાલતી લાલિયાવાડીના કારણે ડિલિવરી (maternity) માટે એડમિટ થયેલી એક પરિણીતાને 12 કલાક સુધી અસહ્ય દુ:ખાવો (Pain) સહન કર્યા બાદ પણ સુવિધાના અભાવે ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઇ જવા માટે પરિવાર મજબૂર બન્યો હતો. ત્યાંના ડોક્ટરો નફ્ફટાઇપૂર્વક અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારને જણાવતાં પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. 108 ની મદદથી મહિલાને વેસ્મા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
- 12 કલાક સુધી ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો સહન કર્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
પલસાણા ચાર રસ્તા ખાતે ગરીબ પરિવારની પરિણીત મહિલા ખુશ્બૂ કુશ્વાહા (ઉં.વ.૨૧)ને પ્રથમ ડિલિવરીનો દુખાવો થતાં ગતરાત્રે તેને પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના પરિવાર દ્વારા લઇ આવવામાં આવ્યા હતા. મહિલાને અસહ્ય દુખાવો સવાર સુધી ચાલુ રહ્યો હતો. ત્યારે અસહ્ય દુ:ખાવાને લઇ મહિલાની હાલત ખરાબ થઇ ગઈ હતી. સવારે ડિલિવરી કરનાર ડોક્ટરને મળ્યા હતા. ત્યારે તેમણે મહિલાની ઊંચાઇ ઓછી હોવાથી તેનું ઓપરેશન કરવું પડે તેમ છે અને અમારી પાસે એનેસ્થેસીયા આપનાર ડોક્ટર ના હોવાથી મહિલાને અહીંથી અન્ય જગ્યા પર ડિલિવરી માટે લઇ જવાનો ઉડાઉ જવાબ પરિવારને આપતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો અને આગળ શું કરવું એ પણ સમજ પડતી નહોતી. એટલામાં તેમના નજીક રહેતા પડોશીએ હોસ્પિટલ પહોંચી મહિલાને વેસ્મા ખાતે આવેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી સ્લીપર પણ નથી. જેને લઇ અકસ્માતમાં મરણ પામેલી વ્યક્તિનું પી.એમ. કરાવવા માટે બારડોલીથી સ્લીપરને બોલાવવું પડે છે.
એનેસ્થેટિસ્ટ મહિલા ડોક્ટર મેટરનિટી લીવ ઉપર છે
પલસાણા ખાતે એનેસ્થેટિસ્ટ મહિલા ડોક્ટર મૂકવામાં આવી છે. તે મેટરનિટી લીવ ઉપર હોવાનું જાણવા મળે છે. જેથી સરકાર દ્વારા ચલથાણ અને સચિનની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી એનેસ્થેટિસ્ટને બોલાવી પ્રસૂતિ કે અન્ય ઓપરેશન કરવા માટે મંજૂરી આપી છે. તેમ છતાં બંને ડોક્ટરોને બોલાવવાની જગ્યાએ ગરીબ મહિલાને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારને ડોક્ટર દ્વારા કહેવામાં આવતાં આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી યોગ્ય તપાસ કરાવે એ જરૂરી છે.
સવાર સુધી દર્દથી કણસતી હતી, પરંતુ ડોક્ટરો યોગ્ય જવાબ પણ આપતા નહોતા
આ બાબતે ખુશ્બૂના પતિ સુરેશ કુશ્વાહે જણાવ્યું હતું કે, ખુશ્બૂને દુ:ખાવો થતાં અમે તેને પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા. દર્દથી અસહ્ય પીડાતી હોવા છતાં ડોક્ટરો દ્વારા તેની યોગ્ય સારવાર પણ કરવામાં આવતી નહોતી અને સવાર સુધી તે દર્દથી પીડાતી હતી. ત્યારે સવારે પણ મેં ડોક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 12 વાગે બેભાન કરવાવાળા ડોક્ટર આવશે પછી જ ડિલિવરી કરવામાં આવશે. તેમ કહ્યા બાદ થોડા સમય બાદ અમને અહીંથી પેશન્ટને લઇ જવાનું કહેતાં અંતે અમે તેને ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છીએ.
હું તપાસ કરાવીને તમને જણાવું છું : જિલ્લા આરોગ્ય અધિકારી
સમગ્ર ઘટના તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહેલી લાલિયાવાડીને લઇ જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીને પણ માહિતગાર કર્યા ત્યારે તેમણે પણ હું સુપરિન્ટેન્ડેન્ટ પાસે તપાસ કરાવીને જોઇ લઉં છું તેમ કહી તેઓએ પણ ફોન મૂકી દીધો હતો. ત્યારે આરડીડી દ્વારા પણ યોગ્ય તપાસ કરાવવામાં આવે તો અનેક ગરીબ પરિવારોને મદદરૂપ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહે તેમ છે.