નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રવિવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત (Train Accident) થયો. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની 10 બોગી પલટી જતાં ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે જ્યારે 22 લોકોના મોત (Death) થયા છે. ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પાકિસ્તાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટનાના ઘટી છે. હજારા એક્સપ્રેસના દસ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં એક મોટો અકસ્માત સર્જાયો છે જેમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 80 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત સહારા રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.
નજીકની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર
અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને નવાબશાહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ સુક્કુર મોહમ્મદુર રહેમાનને ટાંકીને જણાવ્યું છે કે 10 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. પોલીસનું કહેવું છે કે અસરગ્રસ્ત બોગીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ નજીકની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.