રાવલપિંડી : પાકિસ્તાન (Pakistan)માં જો કોઇ વ્યક્તિ 18 વર્ષની ન હોય તો તેને ડ્રાઇવિંગ લાયસન્સ (DL)મળી શકતું નથી, પણ ફક્ત આઠ વર્ષના છોકરા (8 year boy) સામે ઇશ-નિંદા કે ધર્મના અપમાન જેવો ભારે ભરખમ ગુનો દાખલ થઇ શકે છે. હાલમાં બહાર આવેલી વિગતો પ્રમાણે પંજાબ (Punjab) પ્રાંતમાં આઠ વર્ષના એક છોકરા સામે પોલીસે ધર્મના અપમાનનો ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે આ ગુનો જુલાઇ મહિનાના અંત ભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે પંજાબ પ્રાંતના ભોંગ શહેરમાં એક આઠ વર્ષનો એક હિન્દુ છોકરો (Hindu boy) અકસ્માતે એક મદ્રેસામાં ઘૂસી ગયો હતો. એમ કહેવાય છે કે ત્યાં હાજર મોલવીએ તેને ધમકાવતા ડરના કારણે તેનાથી પેશાબ થઇ ગયો હતો. પરંતુ મદ્રેસાના ધર્મગુરુ હાફિઝ ઇબ્રાહીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આ છોકરાએ મદ્રેસાની કાર્પેટ પર ઇરાદાપૂર્વક પેશાબ કર્યો છે અને આવું કરીને મદ્રેસામાંના ધાર્મિક પુસ્તકોનું પણ અપમાન કર્યું છે.
પોલીસે વળી આ ફરિયાદ દાખલ પણ કરી લીધી હતી! પાકિસ્તાન પીનલ કોડની કલમ 295-એ હેઠળ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કલમ ઇશ્વરની નિંદા કરવા બાબતની છે અને તેની જોગવાઇ મુજબનો ગુનો પુરવાર થાય તો દસ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આ છોકરો ઇશનિંદાના કાયદાનો સૌથી નાની વયનો આરોપી બન્યો છે.
એમ પણ જાણવા મળ્યું છે કે ગયા સપ્તાહે આ ભોંગ શહેરમાં ગણેશ મંદિર પર હુમલાની જે ઘટના બની તેની પાછળ પણ આ ઘટના જવાબદાર છે. આ છોકરાને એક સ્થાનિક અદાલતે જામીન આપી દેતા ઓનલાઇન હિન્દુ વિરોધી અભિયાન ચલાવતા રઝાક સુમરો નામના એક કાર્યકરે લોકોને મંદિર પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા અને ત્યારબાદ તે મંદિર પર હુમલો થયો હતો.