અમુક સ્ટાર્સના સંભવિત લગ્નની વાત એક વર્ષ, બે વર્ષ. ત્રણ વર્ષ ચાલ્યા જ કરે અને ત્યાર પછી ય જેની સાથે તેઓ પરણવાના હોય તેની સાથે પરણે કે નહીં નકકી ન કહેવાય. પણ હમણાં યામી ગૌતમ અને આદિત્ય ધર અચાનક જ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ની જેમ પરણી ગયા. ‘યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મ વખતે તેઓ મળ્યા અને પ્રેમ થયો કે પ્રેમ હતો એટલે એ ફિલ્મમાં તેઓ બન્ને હતા તે ખબર નથી. આદિત્ય ધરે ‘કાબુલ એકસપ્રેસ’ ફિલ્મના ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ‘હાલ-એ-દિલ’, ‘વન ટુ થ્રી’, ‘ડેડી કુલ’ ના ગીતો લખેલા. ‘આક્રોશ’ અને ‘તેજ’ના ડાયલોગ્સ લખ્યા અને ‘યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની પટકથા લખવા ઉપરાંત દિગ્દર્શન કર્યું. પહેલી જ ફિલ્મ જબરદસ્ત સફળ રહી અત્યારે તે વિકી કૌશલને લઇને ‘ધ ઇમમોર્ટલ અશ્વત્થામા’ બનાવી રહ્યો છે અને તેમાં યામી ગૌતમ છે કે નથી તે હજુ ખબર નથી પડી. આદિત્ય દિલ્હીનો છે ને યામી બિલાસપુર, હિમાચલ પ્રદેશની. આદિત્ય કરતાં તે મોટી સ્ટાર છે. ૨૦૦૯ થી ફિલ્મોમાં છે. ‘કન્નડ, પંજાબી, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા પછી તે ‘વિકી ડોનર’ થી હિન્દી ફિલ્મોમાં આવી. હજુ ય હિન્દી સાથે દક્ષિણની ફિલ્મોમાં કામ કરે છે. ‘યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ પછી ‘બાલા’ અને ‘જિની વેડસ સની’ માં તે આવી છે.
યામી પ્રચારમાં રહ્યા વિના એટલે કે આક્રમક બન્યા વિના કામ કરવાના મિજાજની છે. ફિલ્મોમાં આવ્યા પહેલાં ચારેક ટી.વી. સિરીયલોમાં તે આવી હતી. સિમ્પલ પણ સેન્સટીવ યામી ‘વિકી ડોનર’માં કામ કરતી હતી. ત્યારે તેના દિગ્દર્શક શુજીક સરકારે કહેલું કે કોઇ બંગાળીને ન પરણીશ. યામી ચંડીગઢ ભણતી ત્યારે પણ તેને કોઇ અફેર નહોતા. તે વખતે તેને એક કાશ્મીરી છોકરો એકદમ ગમેલો પણ તેનું તો તે નામ પણ જાણી શકેલી નહીં પણ હા, આદિત્ય ધર કાશ્મીરી પંડિત છે એટલે કહી શકાય કે તેને તેનો કાશ્મીરી પ્રેમી મળી ગયો છે. આ લગ્નની ખાસ વાત એ કહી શકાય કે યામી ગૌતમ તેના પ્રેમસંબંધને છૂપો રાખી શકી. બન્ને પરણ્યા પછી જ ખબર પડી કે તેઓ એકબીજાના પ્રેમમાં હતા.
જયારે કોઇ અભિનેત્રી કારકિર્દીના પ્રથમ તબકકામાં હોય ત્યારે પરણવાનું સાહસ નથી કરતી કારણકે તેનાથી કારકિર્દી પર નેગેટીવ અસર થાય છે. લગ્ન પછી કામ કરવું મુશ્કેલ થાય છે. યામીએ ‘વિકી ડોનર’ પછી કરેલી ફિલ્મોમાં તેની સાથે વરુણ ધવન, ઋત્વિક રોશન, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહીદ કપૂર જેવા સ્ટાર્સ હતા. ‘એકશન જેકસન’, ‘બદલાપૂર’, ‘કાબિલ’, ‘સરકાર-3’, ‘બતી ગુલ મિટર ચાલુ’, જેવી ફિલ્મો પછી તે વિકી કૌશલની હીરોઇન બની હતી.
તેની કારકિર્દી ઇમ્પ્રેસીવ કહી શકાય. અત્યારે પણ તે અભિષેક બચ્ચન, નિમરત કૌર સાથે ‘દશવીં’ ઉપરાંત સૈફ અલી ખાન, અર્જૂન કપૂર સાથે ‘ભૂત પોલીસ’ અને ‘એ થર્સ ડે’ માં કામ કરી રહી છે. જો તે ખૂબ મહત્વાકાંક્ષી અભિનેત્રી હોત તો આદિત્ય ધર સાથે અત્યારે પરણી ન હોત પણ તેણે તેવું નથી કર્યું. આનાથી તેની સારી ઇમ્પ્રેશન ઊભી થઇ છે. હવે યામી પરણી ગઇ એટલે આલિયા ભટ્ટને કહી ન શકાય કે રણબીર કપૂર સાથે લગ્નમાં ઊતાવળ કર. કેટરીના કૈફ કે જેકલીન ફર્નાન્ડિસને ય કહી ન શકાય. પણ યામીએ ચૂપચાપ પરણી જઇ એક સંદેશો તો આપ્યો જ છે કે સમયસર પરણી જવું પછી કારકિર્દી વિચારવી. કારકિર્દીને વિચારતા રહેવામાં કુંવારા રહી જવાય એ ઠીક નથી.