અફઘાનિસ્તાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે 2,600 કિલોમીટર લાંબી સરહદ પર અનેક સ્થળોએ ઘાતક ગોળીબાર થયો છે. તાજેતરનાં વર્ષોમાં સૌથી ભીષણ સરહદી અથડામણમાં બંને પક્ષો સરહદી ચોકીઓ કબજે કરીને નાશ કરવાનો દાવો કરી રહ્યા છે. તો લડાઈમાં નવીન શું છે? અથડામણોની શરૂઆત શા માટે થઈ? શું પરિસ્થિતિ વધુ વણસવાની અપેક્ષા છે?તાજેતરમાં અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાનની મેજબાની કરી હતી, ભારત માટે આ બધાનો શું અર્થ છે?
પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવથી ભારત કાબુલ પર પોતાનો પ્રભાવ વધારવામાં સફળ રહ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે નવી લડાઈ 11 ઓક્ટોબરે શરૂ થઈ હતી, જ્યારે અફઘાનિસ્તાનના તાલિબાન દળોએ તેમની વહેંચાયેલ સરહદ પર પાકિસ્તાની સૈનિકો પર હુમલા શરૂ કર્યા હતા.
તે 9 ઓક્ટોબરે ‘ પાકિસ્તાની સેના દ્વારા કાબુલ પર કરવામાં આવેલા હવાઈ હુમલાનો બદલો’ હતો. પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલાની સીધી જવાબદારી સ્વીકારી ન હતી. પરંતુ તેણે વારંવાર કહ્યું છે કે, તેને વધતા જતા આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો અધિકાર છે, જેનું આયોજન તે અફઘાન ભૂમિ પરથી કરે છે.
વિડંબના એ છે કે, ભારત પણ પાકિસ્તાન પર એ આરોપ લગાવે છે કે, તે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલીને નિર્દોષ લોકોની હત્યા કરાવી રહ્યું છે. કાબુલ પર પાકિસ્તાનનો હુમલો અફઘાન વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની ભારત મુલાકાત સમયે થયો હતો. શું પાકિસ્તાન મુત્તાકીની ભારત મુલાકાતથી નારાજ છે? સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ભારતે અગાઉ કહ્યું હતું કે, તે કાબુલમાં તેનું દૂતાવાસ ફરીથી સ્થાપિત કરશે, જે 2021 બાદથી એક પરિવર્તન છે, જ્યારે અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી પાછા ફરવાનું શરૂ કર્યું અને તાલિબાને દેશના મોટા ભાગના ક્ષેત્રો પર ઝડપથી સત્તા કબજે કરી હતી.
તાલિબાન સાથે ભારતના રાજદ્વારી પગલાનું સૌથી મહત્ત્વપૂર્ણ કારણ એપ્રિલ 2025માં થયેલા વિનાશક પહેલગામ આતંકવાદી હુમલા પછી અફઘાનિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલું અટલ સમર્થન છે. અફઘાનિસ્તાન એક મજબૂત સાથી તરીકે ઊભરી આવ્યું. તાલિબાનના નેતૃત્વ હેઠળ કાબુલની સરકારે સ્પષ્ટ નિંદાઓ કરી, પ્રાદેશિક તાકાતો સાથેના સંબંધો તોડી નાખ્યા, જેમણે પોતાનો દાવ સુરક્ષિત કરી લીધો હતો.
આ સમર્થન ઓપરેશન સિંદૂર સુધી વિસ્તર્યું, જેમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંઓ પર સચોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી. અફઘાન અધિકારીઓએ સક્રિયપણે ગુપ્ત માહિતી શેર કરી, જે સરહદો પાર ફેલાતા પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદ સામે હિતોના સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો. આનાથી પણ વધુ આશ્વસ્ત કરનારી વાત અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી તરફથી સ્પષ્ટ ખાતરી હતી. તેમણે યુએન જનરલ એસેમ્બલીને જણાવ્યું હતું કે, અફઘાન ભૂમિનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ક્યારેય કરવામાં આવશે નહીં.
આ પ્રતિબદ્ધતાએ નવી દિલ્હી સામે પ્રોક્સી યુદ્ધ માટે અફઘાન ભૂમિનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરવાની પાકિસ્તાની યોજનાને નિષ્પ્રભાવી કરી દીધી. મુત્તાકી સાથેની તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદને એક કોમન ખતરો ગણાવ્યો. જયશંકર અને મુત્તાકી વચ્ચેની બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે: ‘’બંને પક્ષોએ પ્રાદેશિક દેશોમાંથી ઉદ્ભવતા આતંકવાદનાં તમામ કૃત્યોની સ્પષ્ટ નિંદા કરી. તેઓએ પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.’’
આનાથી પાકિસ્તાન ભડક્યું. ઇસ્લામાબાદે ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદન પર અફઘાનિસ્તાનના રાજદૂતને બોલાવીને પોતાનો ‘તીવ્ર વાંધો’ વ્યક્ત કર્યો હતો. ઇસ્લામાબાદે મુત્તાકીના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે, આતંકવાદ પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધો ટૂંક સમયમાં સામાન્ય થવાની કોઈ આશા નથી. એક કહેવત છે કે ‘દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે અને કોઈ કાયમી સાથી કે વિરોધી હોતા નથી – ફક્ત કાયમી હિતો હોય છે.’
તાલિબાનના નેતૃત્વ હેઠળના અફઘાનિસ્તાન પ્રત્યે ભારતના બદલતા વલણમાં આ સિદ્ધાંત પ્રતિધ્વનિત થાય છે. પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના આ હિંસક મુકાબલાનું કારણ શું છે? અલબત્ત, હિંસાનું તાત્કાલિક કારણ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હુમલાઓ છે. પાકિસ્તાન કહે છે કે, હવાઈ હુમલાઓ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અથવા પાકિસ્તાન તાલિબાનના નેતાને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જે કાબુલમાં એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા.
પાકિસ્તાને વારંવાર કાબુલ પર પાકિસ્તાની આતંકવાદીઓ, એટલે કે ટીટીપીને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે, જે અફઘાન ભૂમિથી હુમલા કરે છે. પાકિસ્તાનની ધરતી પર થયેલા કેટલાક સૌથી ઘાતક હુમલાઓમાં ટીટીપીનો હાથ રહ્યો છે, જેમાં ડિસેમ્બર 2014માં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલો હુમલો પણ સામેલ છે, જેમાં આઠથી 18 વર્ષની વયના 132 શાળાનાં બાળકો અને નવ શાળાના કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. તેમના પર લગામ લગાવવા માટે પાકિસ્તાન એ ઠેકાણાંઓ પર હુમલાઓ કરી રહ્યું છે, જેને તેઓ ટીટીપીના લોન્ચ પેડ્સ કહે છે. આ તણાવ વર્ષોથી ચાલી રહેલા અવિશ્વાસ અને 2,611 કિમી લાંબી ડ્યુરન્ડ લાઇન પર વારંવાર થતી અથડામણોને કારણે પણ છે, એક એવી સીમા જેને અફઘાનિસ્તાને ક્યારેય ઔપચારિક રીતે માન્યતા આપી નથી. પાકિસ્તાન દ્વારા અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કરવાથી પણ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
પાક-અફઘાન અથડામણ પછી આગળ શું થશે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હિંસામાં વધારો થવાથી આ ક્ષેત્રમાં ચિંતા વધી છે. સાઉદી અરેબિયા, કતાર અને ઈરાન જેવા ઘણા અન્ય દેશોએ સંયમ રાખવાની હાકલ કરી છે. ખાસ ધ્યાન સાઉદી અરેબિયા પર આપવામાં આવી રહ્યું છે, જેણે તાજેતરમાં પાકિસ્તાન સાથે નાટો જેવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરારમાં કહેવામાં આવ્યું છે કે, એક રાષ્ટ્ર પર હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે. જોકે, એવું લાગે છે કે આ કરાર હજી સુધી અમલમાં મુકાયો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.