Top News

More Posts

   The Latest

Most Popular

રૂ. 90 હજારથી વધુની નશાસહાયક સામગ્રી જપ્ત

40 નંગ ગોગો પેપર, 33 બોક્સ સ્મોકિંગ કોન અને 116 બોક્સ રોલિંગ પેપર મળ્યા


સરકારના પ્રતિબંધ બાદ પોલીસ એક્શનમાં, છ વેપારીઓ સામે ગુનો દાખલ

નશા વિરોધી અભિયાન અંતર્ગત એકસાથે દરોડા


(પ્રતિનિધિ) દાહોદ, તા. 18

યુવા અને સગીર વયના બાળકોમાં વધતી નશાની પ્રવૃત્તિ ડામવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો આશરે રૂ. 90,000થી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

શહેરના મુખ્ય વિસ્તારોમાં ચેકિંગ

રાજ્ય સરકાર દ્વારા નશાસહાયક સામગ્રી પર પ્રતિબંધ મુકાતાં જ દાહોદ શહેરમાં બસ સ્ટેશન રોડ, શિવાજી સર્કલ, યાદગાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાન પાર્લર અને ચાની દુકાનોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

યાદગાર ચોક ખાતે મોટી કાર્યવાહી

સૌથી મોટી કાર્યવાહી યાદગાર ચોક પાસે આવેલી વિષ્ણુ ટ્રેડર્સ ખાતે કરવામાં આવી હતી. જ્યાંથી રૂ. 58,000ની કિંમતના રોલિંગ પેપર અને વિવિધ સ્મોકિંગ કોન મળી કુલ રૂ. 78,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

છ વેપારીઓ સામે ગુનો દાખલ

આ ઉપરાંત શિવ પાન પેલેસ, ઝુલેલાલ પાન કોર્નર, મી ચાય સુટ્ટા અને રીફ્રેશ પાન પોઈન્ટ જેવા એકમોમાંથી પણ પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી મળી આવી હતી. પોલીસે રમેશ રાવલ, ગુલશન ભોજવાણી, ભરત પ્રીતમાણી, અનિશ ભામી, અનિલ પરમાર અને રાજેશભાઇ સહિત છ વેપારીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–2023ની કલમ 223 હેઠળ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. કાર્યવાહીથી વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો.

સ્મોકિંગ પેપર અને કોનમાં વપરાતા કેમિકલ્સ કેટલા જોખમી?

ગોગો પેપર અને સ્મોકિંગ કોનમાં વિવિધ જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પેપરને સફેદ બનાવવા માટે વપરાતું ક્લોરિન બ્લીચિંગ સળગતી વખતે અત્યંત ઝેરી ‘ડાયોક્સિન’ વાયુ ઉત્પન્ન કરે છે.
આ ઉપરાંત ચોકલેટ, વેનીલા કે ફ્રૂટ જેવી સુગંધ આપવા ઉમેરાતા કૃત્રિમ ફ્લેવર્સ ફેફસાંમાં ગંભીર સોજો અને બળતરા પેદા કરી શકે છે. કાગળને ચોંટાડવા માટે વપરાતું ગુંદર સળગતાં જ હાનિકારક ધુમાડો ઉત્પન્ન કરે છે. કાગળ સરખો સળગે તે માટે પોટેશિયમ નાઈટ્રેટ જેવા કેમિકલ્સનું કોટિંગ કરવામાં આવે છે, જે શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. આ તમામ રસાયણો નશો કરનારના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થાય છે.

ગોગો પેપર અને સ્મોકિંગ કોનનો શું ઉપયોગ થાય છે?

ગોગો પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોને વીંટાળીને સિગારેટની જેમ પીવા માટે કરવામાં આવે છે.
ગોગો પેપર પાતળું કાગળ હોય છે જેમાં નશીલા પદાર્થને હાથેથી રોલ કરવામાં આવે છે, જ્યારે સ્મોકિંગ કોન પહેલેથી તૈયાર કરેલું શંકુ આકારનું ખાલી પેપર હોય છે, જેમાં નશીલો પદાર્થ ભરીને તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે. આ સાધનો નશાકારક ધુમાડાને ફેફસાં સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે, જેના કારણે યુવા પેઢીમાં તે નશો કરવાનું સરળ માધ્યમ બની ગયા છે.

To Top