Top News

More Posts

   The Latest

Most Popular

પત્ની પર ટિપ્પણીનો વિવાદ લોહિયાળ બન્યો; ઝઘડો શાંત કરવા ગયેલા અજય સાનેનું કરૂણ મૃત્યુ. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

​વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સયાજીગંજ રેલવે લાઈન વિસ્તારમાં આવેલા મહારાજાનગરમાં રાહુલ ખેડેગર નામના યુવકે સામાન્ય બોલાચાલીમાં લોખંડની કોશ મારી દેતા અજય સાને (ઉંમર વર્ષ 30) નામના યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે.

મળતી માહિતી મુજબ, સયાજીગંજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં મૃતક અજય સાને અને અન્ય ઇજાગ્રસ્ત યુવક વિકાસ મોરે ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, રાહુલ ખેડેગર નામના ઈસમે આ બંને યુવકો પર લોખંડની કોશથી અચાનક હુમલો કરી દીધો હતો.
ઇજાગ્રસ્ત વિકાસ મોરેએ જણાવ્યું હતું કે, “અમે વાત કરવા માટે ઊભા રહ્યા હતા અને હાથ ચાલાકી કરી કોશ મારી દીધી હતી. મારી સાથે જે ભાઈ હતો તેની પત્ની સામે ટિપ્પણી કરતા, આવું કેમ બોલ્યો તેમ કહેતા જ અચાનક કોશ મારી દીધી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓએ ઝઘડો કર્યો જ નહોતો, માત્ર વાત વાતમાં બોલાચાલી થતાં હુમલાખોરે માર માર્યો હતો.
આ હુમલામાં અજય સાનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિકાસ મોરેને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ ઘટનાને અંજામ આપનાર આરોપી રાહુલ ખેડેગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઇજાગ્રસ્ત યુવક વિકાસ મોરેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને હકીકત શું છે તે બાબતે પોલીસ સઘન તપાસ કરી રહી છે.

To Top