Top News

More Posts

   The Latest

Most Popular

વૃદ્ધા દવા લેવા માટે જરોદ બજારમાં જતા હતા ત્યારે છોડી દેવાનું કહી બાઈક પર બેસાડ્યાં
બંને લુટારુએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા વૃદ્ધા ચુપચાપ બેસી રહ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.30
જરોદ બજારમાં દવા લેવા જઇ રહેલા 75 વર્ષીય વૃદ્ધાને છોડી દેવાનું કહીને બે શખ્સ તેમને બાઇક પર બેસાડી હાલોલ રોડ પર લઇ ગયાં હતા. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી વૃદ્ધાના ગળામાંથી સોનાની માળાની લુંટ કરીને બંને ભાગી ગયા હતા. જેથી વૃદ્ધાએ લુંટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા કલાવતીબેન જયંતીલાલ જયસવાલ (ઉં.વ.75) નિવૃતમય જીવન ગુજાર છે. વૃદ્ધા અઠવાડીયાથી શિવનંદન સોસાયટીમાં તેમના મોટા દિકરા મુકેશના ઘરે રહેવા આવ્યા હતા. તેમને બ્લડપ્રેશર અને ડાયાબીટીશની બિમારી હોવાથી તેની દવા લે છે.28 ઓક્ટોબરના રોજ રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે તેઓ બ્લડ પ્રેશર અને ડાયાબીટીશની ગોળીઓ લેવા જરોદ બજારમાં જવા ચાલતા નિકળ્યાં હતા. હાલોલ વડોદરા તરફના સર્વિસ રોડ ઉપર જરોદ રેફરલ ચોકડીથી આગળ પહોંચ્યાં હતા ત્યારે સર્વિસ રોડ ઉપર એક કાળા કલરની બાઇક પર બે શખ્સ તેમની પાસે આવી આવ્યાં હતા. બન્નેએ માજી તમારે ક્યાં જવું છે ? તેવું પુછતા વૃદ્ધાએ જરોદ બજારમાં જવાનું કહ્યું હતું. ત્યારે બે શખ્સે વૃદ્ધાને બેસી જાઓ તમને આગળ છોડી દઈએ તેમ કહ્યું હતું. વૃદ્ધા બન્ને શખ્સ વચ્ચે બેસી ગયા હતા પરંતુ તેઓએ બાઇક રોંગ સાઈડના સર્વિસ રોડ ઉપરથી જરોદ બજાર તરફ લઈ ગયા બાદ આરીફ ચોકડી આવતા તેઓએ બજારમાં જવાના બદલે હાલોલ તરફના રોડ ઉપર બાઇક દોડાવી હતી. ત્યારબાદ વૃદ્ધાએ બજારમાં જવાનું છે તમે કયા લઈ જાઓ છો મને અહીં ચોકડી ઉપર ઉતારી દો તેમ કહેતા તેઓએ બાઇક ઉભી રાખી ન હતી અને હાલોલ તરફના મેઈન રોડ ઉપર લઈને નિકળી ગયા હતા. વૃદ્ધાએ ઉતરવાનો પ્રયાસ કરતા તેઓએ ડોશી ચુપ ચાપ બેસી રહે નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા તેઓ ડરી ગયા હતા. ત્યારબાદ બાઇક ઉભી રાખી તેમના ગળામાંથી સોનાની રૂ.1.60 લાખની માળા બળજબરીથી તોડીને ઝુંટવી લીધી હતી. ત્યારબાદ વૃધ્ધાને સરીતા પાર્ક નજીક આવેલ બ્રિજ પાસે ઉતારી બન્ને ભાગી ગયા હતા. જેથી વૃદ્ધાએ જરોદ પોલીસ સ્ટેશનમાં બે લુટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

To Top