Top News

More Posts

   The Latest

Most Popular

વર્કિંગ વુમનને માસિક સ્ત્રાવ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માસિક સ્ત્રાવની પીડાના લીધે તેઓ કામ કરી શકતી નથી. ઓફિસોમાં રજા મળતી ન હોય તેઓ માટે કામ સંભાળવું મુશ્કેલ બની જાય છે. મહિલાઓની તકલીફને સમજી કર્ણાટક સરકારે વર્કિંગ વુમનના હિતમાં એક સારો નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં હવે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં મહિલાઓને દર મહિને એક દિવસની તેમના માસિક સ્ત્રાવ (પીરિયડ) સમય દરમિયાન પેઇડ રજા મળશે. આ પગલું મહિલાઓના સ્વાસ્થ્ય, સુખાકારી અને કાર્યસ્થળ પર સમાનતાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે.

કર્ણાટક કેબિનેટે ગત રોજ તા. 9 ઓક્ટોબર ગુરુવારે “માસિક સ્રાવ રજા નીતિ 2025”ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ હવે રાજ્યની દરેક મહિલા કર્મચારીને દર મહિને એક દિવસની પેઇડ પીરિયડ રજા મળશે. આનો લાભ ફક્ત સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગ, બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs), આઇટી ક્ષેત્ર અને અન્ય ખાનગી સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓને પણ મળશે.

રાજ્યના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલએ જણાવ્યું કે “કેબિનેટે આજે વસ્ત્ર ઉદ્યોગથી લઈને આઈટી સુધીના તમામ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ માટે દર મહિને ઓછામાં ઓછી એક દિવસની રજા આપવાનો નિર્ણય લીધો છે.” તેમણે વધુમાં કહ્યું કે આ નીતિ મહિલાઓની આરોગ્ય જરૂરિયાતો અને તેમના કામ-જીવન સંતુલનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

અન્ય રાજ્યોમાં શું સ્થિતિ છે?
કર્ણાટક હવે ભારતના એવા થોડા રાજ્યોમાં સામેલ થયો છે જ્યાં મહિલાઓને તેમના પીરિયડના સમયે પેઇડ રજા આપે છે. તેમજ બિહારમાં મહિલાઓને દર મહિને બે દિવસની માસિક રજા મળે છે. જ્યારે ઓડિશાએ તાજેતરમાં સરકારી વિભાગોમાં કામ કરતી મહિલાઓ માટે એક દિવસની માસિક રજા અમલમાં મૂકી છે.

કર્ણાટક સરકારનો આ નિર્ણય મહિલાઓ માટે કાર્યસ્થળે આરામદાયક અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ સર્જશે. આ નીતિ અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે અને દેશવ્યાપી સ્તરે મહિલાઓ માટે વધુ આરોગ્યલક્ષી નીતિઓના માર્ગ ખોલી શકે છે

To Top