Top News

More Posts

   The Latest

Most Popular

ખેડા મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી

કચેરીની રોજિંદી કામગીરી, નાગરિકોને આપવાના થતા દાખલા, પ્રમાણપત્રો, ઈ–ધરા કેન્દ્રની કાર્યવાહીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું

(પ્રતિનિધિ) નડિયાદ, તા.14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મચારીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની માહિતી મેળવવા શુક્રવારે ખેડા ખાતે આવેલી પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા છે. છેલ્લા કેટલાય વખતથી મુખ્યમંત્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈ અને આ પ્રકારે કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવાનો અભિગમ શરૂ કરાયો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે ખેડા તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા મામલતદાર કચેરી મુલાકાતે ગયા હતા. તેમણે સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી. મુખ્યમંત્રી દ્વારા તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહિં, બિનજરૂરી કોઈપણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતની નોંધનો સમયસર નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપી હતી. તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ-ધરા કેન્દ્રમાં તેની ઓટોજનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોને રસ્તાના કેસો, જન્મ પ્રમાણપત્રના કેસો તથા અન્ય તમામ કેસોનો સમયસર નિકાલ થાય છે કે કેમ તેની પણ ખાતરી આ મુલાકાત દરમિયાન કરી હતી. તેઓ જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓને પણ મળ્યા હતા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે તાલુકા અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જોકે, આ બધી કવાયત વચ્ચે ખેડામાં શુક્રવારે વીજ કાપ હતો અને મુખ્યમંત્રીને પોતાના દોઢ કલાકના ગાળામાં એકાદ કલાક સુધી વગર લાઇટે બેસવું પડ્યું હતું.

To Top