સીતારામ યેચુરી માર્ક્સવાદી રાજકારણી હતા, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી હતા. તેઓ 2005થી 2017 સુધી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પણ રહ્યા હતા. દુઃખની વાત એ છે કે, લાંબી માંદગી બાદ 19 સપ્ટેમ્બરે 72 વર્ષની વયે તેમનું નિધન થયું. 19 ઓગસ્ટના રોજ ન્યુમોનિયા જેવા છાતીના ચેપની સારવાર માટે નવી દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા બાદ તેઓ ઘણા દિવસોથી ગંભીર રીતે બીમાર હતા. આ સમાચારથી શોકની લાગણી ફેલાઈ ગઈ અને તમામ પક્ષોના રાજકારણીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. શા માટે?
તે એક અલગ પ્રકારના સામ્યવાદી હતા. યેચુરીએ પાર્ટી લાઇનથી હટીને મિત્રો બનાવ્યા અને તેમનો કોઈ દુશ્મન નહોતો. યેચુરીએ તેમની પચાસ વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન માર્ક્સવાદ-લેનિનવાદ પ્રત્યે સતત વૈચારિક પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે ઇન્દિરા ગાંધીની કટોકટી સામે અને બાદમાં સાંપ્રદાયિક શક્તિઓના વધતા જુવાળ સામે લડાઈ લડી હતી, પરંતુ 2015થી 2022 સુધીનો સીપીઆઈએમના મહાસચિવ તરીકેનો તેમનો કાર્યકાળ યાદ કરવામાં આવશે અને તેના પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યકાળ તેમણે બદલાતા રાજકીય લેન્ડસ્કેપ સાથે અનુકૂલન સાધવાના પ્રયાસો કર્યા, જેના માટે તેમના માર્ક્સવાદી વિચારોને સમકાલીન રાજકીય વાસ્તવિકતાઓ સાથે ઢાળવા અને તેમના વૈચારિક મૂળને જાળવી રાખવાનું આવશ્યક હતું. કોંગ્રેસ સાથે તેમની પાર્ટીની ચૂંટણી પ્રતિસ્પર્ધા હોવા છતાં યેચુરીએ નરેન્દ્ર મોદી સરકાર સામે વિપક્ષની લડાઈમાં કોંગ્રેસને એક મહત્ત્વપૂર્ણ તાકાત તરીકે ઓળખાવી હતી.
જાહેર મંચો પર ઘણીવાર વહેંચવામાં આવતા તેમના વિચારો હંમેશાં સીપીઆઈ(એમ) પોલિટબ્યુરો અને કેન્દ્રીય સમિતિના સાથીઓ સાથે સહમત થતા ન હતા. ચૂંટણી વ્યૂહરચના પ્રત્યે યેચુરીનો અભિગમ ખાસ કરીને વ્યવહારિક હતો. તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રભાવનો સામનો કરવા અને ચૂંટણીની સંભાવનાઓને સુધારવા માટે બિન-સામ્યવાદી પક્ષો સાથે લવચીક ગઠબંધનની હિમાયત કરી હતી. આ વલણ તેમના પુરોગામી પ્રકાશ કરાતના વૈચારિક શુદ્ધતા પ્રતિ કઠોર પાલનથી વિપરીત હતું, જે એવું ગઠબંધન બનાવવાનો વિરોધ કરતા હતા જે પક્ષના માર્ક્સવાદી સિદ્ધાંતોને કમજોર કરી શકે.
કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયામાં યેચુરીએ રાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે ગઠબંધન સાથે જોડાઈને વધુ સમાધાનકારી અભિગમ અપનાવ્યો. આ કરાતના વધુ આક્રમક વલણથી વિપરીત હતું, જેણે યુપીએની આર્થિક અને વિદેશી નીતિઓની ટીકા કરી હતી અને વધુ સખત વિરોધ જાળવી રાખ્યો હતો. સામાજિક ન્યાય વિશેની તેમની સહિયારી માન્યતાઓ પર આધારિત કોંગ્રેસ પ્રત્યેનો આ સમાધાનકારી અભિગમે યેચુરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નજીક લાવ્યા.
સીપીઆઈ(એમ) માટે યેચુરીના વિઝનમાં પાર્ટીનું આધુનિકીકરણ કરવું અને તેના પરંપરાગત આધારની બહાર તેની અપીલને વિસ્તૃત કરવી સામેલ હતી. આ દૃષ્ટિકોણ કેટલીકવાર પરંપરાગત માર્ક્સવાદી દૃષ્ટિકોણોને જાળવી રાખવા અને એવા ફેરફારોનો વિરોધ કરવા પર કરાતના જોર સાથે ટકરાતા હતા, જે પક્ષને તેની મૂળ વિચારધારાથી દૂર લઈ જઈ શકતા હતા. રૂઢિચુસ્ત ડાબેરીઓ સાથે વ્યૂહરચના અને નીતિમાં તફાવત હોવા છતાં ભારતીય રાજકારણમાં યેચુરીનું યોગદાન નોંધપાત્ર છે. તેમના સિદ્ધાંતો પર અડગ રહીને જટિલ રાજકીય લેન્ડસ્કેપ્સમાં સમજવાની તેમની ક્ષમતાએ તેમનો વારસો વ્યાખ્યાયિત કર્યો.
યેચુરીએ ભાજપનો વિરોધ કરનારા તમામ લોકોને યાદ અપાવ્યું કે તેઓએ સાથે મળીને કામ કરવું જોઈએ તથા તેમણે એ વાત પર ઊંડો વિશ્વાસ બતાવ્યો કે તેઓ વધુ સમાન ભારત- સહિષ્ણુ અને પ્રગતિશીલ, આગળની વિચારસરણી ધરાવતો અને ધાર્મિક ઝઘડાઓથી મુક્ત ભારત હોવું જોઈએ. તેમના સાથીદાર પ્રકાશ કરાતે તાજેતરમાં લખ્યું હતું તેમ, યેચુરીએ હિંદુત્વના વૈચારિક આધારને સમજવામાં દૂરંદેશી અને સ્પષ્ટતા વિકસાવી- આનાથી બિનસાંપ્રદાયિકતાની રક્ષા કરવા અને હિંદુત્વવાદી શક્તિઓનો સામનો કરવા માટે તેમની રાજકીય પ્રતિબદ્ધતા પ્રેરિત કરી.
યેચુરીએ જેએનયુમાં 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ)ના કાર્યકર તરીકે તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ 1975માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી)માં જોડાયા. 1975-77માં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન યેચુરી છુપાઈ ગયા હતા અને પ્રતિકારનું આયોજન કરવા માટે સમય પસાર કર્યો. કટોકટી હટાવ્યા પછી તેઓ 1977 અને 1978 વચ્ચે ત્રણ વખત જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
યેચુરી અને પ્રકાશ કરાતને 1984માં સીપીઆઈ(એમ) સેન્ટ્રલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ 1992માં સીપીઆઈ(એમ) પોલિટબ્યુરોના સભ્ય બન્યા હતા. યેચુરીએ ઈએમએસ નંબૂદીરીપાદ અને હરકિશન સિંહ સુરજીત જેવા દિગ્ગજ નેતાઓ સાથે નજીકથી કામ કર્યું હતું. તેઓ 1985માં સીપીઆઈ(એમ) કોંગ્રેસ, 1988માં કેન્દ્રીય સચિવાલય અને 1992માં પોલિટ બ્યુરોમાં ચૂંટાયા હતા. યેચુરીને 19 એપ્રિલ, 2015ના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે 2024માં તેમના અવસાન સુધી આ પદ પર સેવા આપી હતી.
તેઓ 2005થી 2017 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. પાર્ટીએ તેમના દ્વારા નિર્ધારિત આંતરિક મર્યાદાને ટાંકીને તેમને ત્રીજી મુદત આપવાનો ઇનકાર કર્યો હતો. તેઓ એક ચતુર સંસદસભ્ય હતા, જેમના તીખા રાજકીય ભાષણોમાં રમૂજ અને બુદ્ધિમતાની ઝલક જોવા મળતી હતી. ઘણી વાર તેઓ વર્તમાન વિશે વાત કરવા માટે સભ્યોને ઇતિહાસના પાઠો ભણાવતા હતા. એપ્રિલ 2021માં યેચુરીએ તેમના 35 વર્ષીય પત્રકાર-પુત્ર આશિષ યેચુરીને કોવિડ -19માં ગુમાવ્યો હતો. તેઓ આ આઘાતમાંથી ક્યારેય બહાર આવ્યા ન હતા. યેચુરીએ લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, બંધારણ, પક્ષ અને પક્ષની અંદર લડાઈ લડી. અને છેલ્લી લડાઈ હોસ્પિટલમાં લડી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.