ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર સમજૂતીનું માળખું જાહેર થયું, જેની ખબર ભારત સહિત સમગ્ર વિશ્વને ડોનાલ્ડ ટ્રમ્પની સોશ્યલ મીડિયા પરની ટીપ્પણી દ્વારા થઇ! સમજૂતીની વિગતો જાહેર થવાની બાકી છે. જે પણ માહિતી મળે છે એ અમેરિકાના પદાધિકારીઓના એક્સ (ટ્વીટર) પર થતી ટીપ્પણીઓ દ્વારા મળે છે. અત્યાર સુધી આવેલી વિગતોના આધારે સમજૂતીનો મુખ્ય સૂર છે કે ભારતથી આયાત થતી વસ્તુઓ પર અમેરિકા ૧૮ ટકા જકાત લગાવશે જે ડોનાલ્ડ ટ્રમ્પે પચાસ ટકા સુધી વધારી દીધી હતી.
ભારતે રશિયાથી તેલ નહિ ખરીદવાનું વચન આપ્યું હોવાથી જે શિક્ષાત્મક ૨૫ ટકા જકાતવેરો લગાવવામાં આવ્યો હતો તે પાછો ખેંચ્યો છે! આ જાહેરાતના પહેલા દિવસે ભારતમાં ઉત્સવનો માહોલ હતો. પણ જેમ જેમ વિગતો બહાર આવતી ગઈ છે તેમ મૂળ બદલાયો. એવું તો નથી ને કે જકાતને પચાસ ટકાથી ઘટાડી અઢાર ટકા પર લાવવાના મરણિયા પ્રયાસોમાં આપણે સામે અનેકગણું વધારે દઈ બેઠા છીએ!! કેટલીક મહત્ત્વની ચિંતાઓ જ અહીં હાઇલાઇટ કરવી છે.
એક, ટ્રમ્પ સરકારનું તંત્ર કહે છે કે ભારતે રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે તેલ નહિ ખરીદવાનું વચન આપ્યું છે. અમેરિકા એક પેનલ બનાવશે જે ભારત પર નજર રાખશે અને જો ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું તો ફરીથી જકાત વધારી દેવામાં આવશે. આવું કોઈ વચન ભારતે આપ્યું છે કે નહિ એ અંગે આ લખાય છે ત્યાં સુધી ભારતના નેતૃત્વ તરફથી સ્પષ્ટતા થઇ નથી.
વેપાર મંત્રાલય અને વિદેશ મંત્રાલય આવાં કોઈ વચન અને એની શરત અંગે સ્પષ્ટતા કરવાની જવાબદારી એકબીજાના માથે નાખી રહ્યા છે. ‘દેશની ઊર્જાની જરૂરિયાત પર પ્રાધાન્ય છે અને એ માટે જે યોગ્ય હશે એ કરવામાં આવશે’ એવા વ્યાપક નિવેદન આવ્યાં છે. અહીં ભારતના સાર્વભૌમત્વ પર ગંભીર જોખમ ઊભું થાય છે. શું ખરીદવું અને ક્યાંથી ખરીદવું એ આંતરરાષ્ટ્રીય સંબંધ અને બજાર ભાવને ધ્યાનમાં રાખીને ભારત નક્કી કરશે. એ અંગેનો નિર્ણય બીજો કોઈ દેશ લઇ શકે નહિ.
બે, ટ્રમ્પ સરકાર તરફથી થયેલા ટ્વીટ મુજબ ભારત અમેરિકી પેદાશો પર જકાત સહિતના વેપાર પરનાં નિયંત્રણ દૂર કરી ૫૦૦ બિલિયન ડોલર જેટલી અમેરિકન વસ્તુઓની આયાત કરશે – જેમાં ખેત પેદાશોનો ઉલ્લેખ પણ છે! જે અંગે વ્યાપાર મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે આ વાયદો નથી પણ ઈરાદો છે. અહીં એ ઉલ્લેખનીય છે અત્યાર સુધી અમેરિકાથી થતી આયાત આશરે ૪૪ બિલિયન ડોલરની રહી છે અને નિકાસ ૮૫ બિલિયન ડોલરની રહી છે. જો આપણે ૫૦૦ બિલીયનની આયાત કરીએ તો આપણો વેપાર ખાધમાં જશે! ૨૦૨૫ સુધી ભારતની નિકાસ પર અમેરિકા સરેરાશ ૨ થી ૩ ટકાની જકાત વસૂલતું હતું. આ બધી વસ્તુઓ હવે ૧૮ ટકાના દાયરામાં આવી ગઈ અને ભારત અમેરિકા પાસેથી જે જકાત વસૂલતું હતું એ ઘટી જશે અથવા લગભગ શૂન્ય પર આવી જશે. એટલે આપણે મૂળ કિંમત સુધી તો નથી જ પહોંચી શક્યા.
ત્રણ, વેપારી સમજૂતીમાં અમેરિકી કૃષિ પેદાશો / આડ પેદાશોની વાત પણ છે. અમેરિકાની કૃષિ સચિવ બ્રુક રોલિંગે અમેરિકાના ખેડૂતોને સંબોધીને કહ્યું કે ટ્રમ્પની આ સમજૂતી થકી ભારતના બજારના દરવાજા એમના પાક માટે ખૂલી જશે. બ્રુકના નિવેદન અંગે કોઈ સ્પષ્ટતા નથી પણ, ભારત સરકાર તરફથી એટલું કહેવામાં આવ્યું છે કે ભારતના ખેડૂતોનાં હિત જાળવવામાં આવશે. અહીં એ સમજવું જરૂરી છે કે અમેરિકામાં ખેડૂતોને ખૂબ ઊંચી સબસીડી મળે છે, જેને કારણે તેઓ વૈશ્વિક બજારમાં સસ્તા ભાવે વેચી શકે છે. એટલે જ તો કૃષિ પેદાશો પર ઊંચી જકાત રાખી ભારતના ખેડૂતોને વિદેશી માલના મારાથી બચાવવાની રણનીતિ રહી છે.
જો આ જકાત ઘટશે તો ભારતનો ખેડૂત અમેરિકી માલ સામે કેવી રીતે ટકી શકશે?
ટ્રમ્પના દાવાઓ અંગે પણ માની લઈએ કે આ ઓપેરેશન સિંદૂર જેવી જ ક્ષણ છે જ્યાં આપણા નેતા એને સ્વીકારી પણ ના શકે કે નકારી પણ ના શકે. ભારત સરકારની જવાબદારી ભારતનાં નાગરિકો પ્રતિ છે એટલે એમના તરફથી સ્પષ્ટતા કરવામાં થઇ રહેલો વિલંબ અને નિવેદનની જવાબદારી પરસ્પર ઢોળવાના વલણથી સ્વાભાવિક રીતે આશંકાઓ જન્મે છે. આપણે અમેરિકાને જે આપવા તૈયાર થયાં છીએ એની સામે આપણને થનારા ફાયદા ઘણા નાના લાગી રહ્યા છે.
ભારતમાંથી અંગ્રેજો ગયા એ સાથે રાજકીય સંસ્થાનમાંથી સ્વતંત્ર દેશ બન્યો પણ, દુનિયાના શક્તિશાળી દેશોના સામ્રાજ્યવાદી દબાણ સામે સતત ઝઝૂમવું પડ્યું છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણી કસોટી કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્યવાદી વલણ ખુલ્લું અને નાગું છે. અન્ય દેશોના સાર્વભૌમત્વનો અનાદર ગણી શકાય એ હદે દબાણ અને દખલ થઇ રહી છે. આજે આપણે સામ્રાજ્યવાદના એવા તબક્કામાં છીએ, જ્યાં શક્તિશાળી દેશો વૈશ્વિકીકરણની સ્પર્ધામાં આગળ દોડી રહેલા વિકાસશીલ દેશો પર કાબૂ મેળવી પોતાનું વર્ચસ્વ કાયમ રાખી રહ્યા છે. ભારત પાસે વિકલ્પો ઓછા છે એટલે સામાન્ય ભારતીયના હિતને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાય એ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે