Top News

More Posts

   The Latest

Most Popular

વીરપુરના ભાટપુર ગામે દિકરીના ઘરેથી પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો

બોલેરો ચાલતે રાજાપાઠમાં વાહન ચલાવી અકસ્માત સર્જી ખેતરમાં ગાડી ઉતારી દીધી.

ખાનપુર તાલુકાના પાંડરવાડા નજીક પુરપાટ ઝડપે જતી બોલેરો ગાડીના ચાલકે સામેથી આવતી બાઇકને હડફેટે ચડાવી હતી. જેના કારણે બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 5 વર્ષિય બાળકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે ગ્રામજનોએ તપાસ કરતાં બોલેરો ચાલક દારૂ પીધેલો હતો અને આગળ ખેતરમાં ગાડી ઉતારી દીધી હતી. જેને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા મગનભાઈ ધુળાભાઈ નાયકના કાકાનો દિકરો રમણ કાળુભાઈ નાયક (ઉ.વ.55), તેમના પત્ની રમીલાબહેન (ઉ.વ.50) અને પૌત્ર દુર્ગેશ (ઉ.વ.5) બાઇક પર વીરપુર તાલુકાના ભાટપુર ગામે દિકરીના ઘરે ગયાં હતાં. જ્યાંથી 16મી મેના રોજ બપોરના સુમારે જાણવા મળ્યું હતું કે, રમણભાઈને વિરપુરથી સરથુણા ઘરે આવતા સમયે ખાનપુરના પાંડરવાડાથી આગળ કાલીયાકુવા રોડ પર અકસ્માત થયો છે. આથી, તેમના પરિવારજનો તાત્કાલીક સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સમયે રમણભાઈ નાયક અને તેમના પત્ની રમીલાબહેનનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતુ. જ્યારે તેમનો પૌત્ર દુર્ગેશને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તપાસ કરતાં બોલેરોગાડી નં.જીજે 31 એ 9126ના ચાલકે પુરઝડપે આવી રમણભાઈની બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાડીની તપાસ કરતાં થોડે દુર ખડોદી ગામે જતા રસ્તાના ખેતરમાં ઉતારી દીધાનુ જાણવા મળ્યું હતું. આથી, લોકો ત્યાં પહોંચતાં ખેતરમાં ગાડી ઉતારી દીધી હતી અને તેના સવાર ચાલક પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં હતો. જેને ઉતારી પુછપરછ કરતાં તે સુરેશ કાળુ ડામોર (રહે. મુડશી, તા. મેઘરજ, જિ. અરવલ્લી) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ ઉભો પણ રહી શકતો નહતો. આખરે આ અંગે પોલીસને જાણ કરતાં બાકોર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરેશ કાળુ ડામોરની અટક કરી પોલીસ મથકે લઇ ગયાં હતાં. આ અંગે મગન નાયકની ફરિયાદ આધારે બાકોર પોલીસે સુરેશ કાળુ ડામોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

To Top