Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) વેસુ ખાતે આવેલા ડ્રિફ્ટ ગેમઝોનના મેનેજર અને બે માલિકો (Owners) સહિત ત્રણની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેઓ પ્લાન પાસ કરાવ્યા વગર ગેમઝોન ચલાવતા હતા.

રાજકોટ ખાતે બનેલી ઘટના બાદ મનપા, ફાયર, પોલીસ સહિતનું તંત્ર સફાળે જાગીને કાર્યવાહી કરવા દોડાદોડ કરી રહ્યું છે. પરંતુ આ બધુ કેટલા દિવસ ચાલશે તે જોવાનું રહ્યું. પોલીસે ગઈકાલ સુધી 7 ગેમઝોનની સામે ગુના દાખલ કર્યા હતા. આજે વેસુમાં વધુ એક ગુનો નોંધાયો છે. વેસુ પોલીસે પ્રાઈમ શોપર્સ પાસે આવેલા શાલીન એન્ટરટેન્ટમેન્ટ પ્રા.લિ. કંપનીના નામની ડ્રિફ્ટ ગેમઝોનના મેનેજર સુનયભાઈ મહેશચંદ્ર પચ્ચીગર (ઉ.વ.52, રહે.હેપ્પીનેસ બિલ્ડિંગ, પાલ) અને માલીક મિનેશકુમાર કાંતીલાલ પટેલ (ઉ.વ.52, રહે. શાશ્વત બંગ્લો ભુલકાભવન) અને હિતેશભાઈ દશરથભાઈ પટેલ (શાશ્વત બંગ્લો) ની સામે ફરિયાદ નોંધી છે. જેમાં માલીક મિનેશભાઈ અને હિતેશભાઈને વોન્ટેડ જાહેર કરાયા છે. તેમના દ્વારા આ ગેમઝોન પ્લાન મંજૂર કરાવ્યા વગર તથા પ્રીમાઈસીસ લાયસન્સ રિન્યુ કરાવ્યા વગર ચલાવવામાં આવતું હતું.

વરિયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં જ ગેરકાયેદ ગેસ રિફિલિંગ
સુરત: લાલગેટ પોલીસે બાતમીના આધારે ચાર અલગ અલગ જગ્યા પર રેઈડ કરીને ગેરકાયદે ગેસ બોટલ રાખતા અને રિફિલિંગ કરતાં ચાર સામે ગુનો દાખલ કર્યો છે. કુલ 88 ગેસ બોટલ મળીને 1.02 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

લાલગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વૈભવ લક્ષ્મી બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોર વરિયાળી બજાર રોડ ખાતેથી અલગ અલગ કંપનીના 35 ગેસનાં બાટલા સાથે મનોજકુમાર ચંદ્રકાંતભાઇ માંજરાવાલા (ઉ.વ.૫૯ ધંધો-વેપાર, રહે- વરિયાળી બજાર રોડ, વરિયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં લાલગેટ) ને પકડી પાડ્યો હતો. આ સિવાય ઘનશ્યામભાઇ બીપીનચંદ્ર ગાંધી (ઉ.વ.૫૫ ધંધો-વેપાર, રહે- વરિયાળી બજાર રોડ) ને 25 ગેસ બાટલા સાથે પકડી પડ્યા હતા.

આ ઉપરાંત વરિયાળી બજાર જિલાની બ્રિજ પાસે ગુજરાત ગેસ એન્ડ સર્વિસ નામની દુકાનમાંથી એચપી, મહારાણી ગોલ્ડ, સુપર ગોલ્ડ તથા મિસ સૂર્યા કંપનીના અલગ અલગ 13 ગેસ બાટલા, રીફિલિંગની પાઇપ તથા ઇલેક્ટ્રિક વજન કાંટા પકડાયા હતા. જ્યાં પોલીસે આરીફ ઇકબાલ ડેરૈયા (ઉ.વ.૩૪, ધંધો-વેપાર રહે. ઝમઝમ ટાવર, ભરીમાતા રોડ, ચોકબજાર) ને પકડી તેની સામે ગુનો નોંધ્યો હતો. આ સિવાય વરિયાળી બજાર રોડ પર સ્ટાર સેલ્સ એન્ડ સર્વિસ ખાતેથી અલગ અલગ કંપનીના 15 ગેસ બાટલા સાથે આરોપી ઇરફાનભાઇ ઇદ્રીશભાઇ માલકાણી (ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહે- એઝાઝ ઉમરજી એપાર્ટમેન્ટ, રામપુરા, લાલગેટ) ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

To Top