Top News

More Posts

   The Latest

Most Popular

યોગાસન નિમત્તે લોકોમાં મોડી મોડી પણ જાગૃતિ આવી છે. કેટલાંક નગરોમાં લોકો પૈસા ભરીને પણ યોગ વર્ગોમાં જાય છે. આ યોગ પધ્ધતિ જીવનને યોગમય બનાવે છે તે મુખ્ય કારણ યોગ માટે છે. આજથી થોડાં વરસો પર યોગથી લોકો પરિચિત પણ ન હતા. પતંજલિએ ભલેને યોગ વિચાર લોકોને આપ્યો પરંતુ આપણે તે ભૂલી ગયા. અમેરિકામાં યોગનો પુનર્જન્મ થયો એવું લાગે. અમેરિકનોએ અલ્ટરનેટિવ મેડિસીનમાં યોગનો સ્વીકાર કર્યો અને તેઓને ઘણો ફાયદો દેખાયો તેથી અમેરિકાથી યોગ વિચાર યુરોપના દેશોમાં પહોંચ્યો. આ બધું જોઇને આપણે ભારતીયો જાગ્યા અને યોગ તો ભારતનો છે એમ વિચારી યોગ પર ધ્યાન આપવા લાગ્યા. આ સ્થિતિ આપણી એટલા માટે થઇ કે, ભારતમાં અનેક વિદેશીઓ આવ્યા તેથી આપણે આપણા વારસાને જ ભૂલી ગયા. 

જે સ્થિતિ યોગની થઇ તે આવતીકાલે ભારતીય તત્ત્વજ્ઞાન (ઇન્ડિયન ફિલોસોફીની) થવાની જ છે. જયારે વિશ્વના લોકો ઇન્ડિયન ફિલોસોફી પર ભાર આપશે ત્યારે આપણે પણ તેની માળા ભજવા જઇશું. વેદ કે ઉપનિષદ કેટલાં અને તેનાં નામો વિશે મોટે ભાગના લોકો જાણતા જ નથી. પ્રશ્ન થાય કે વેદો કેટલા? તેનાં નામો ગણાવો તો સેંકડો લોકોનો ઉત્તર ના હશે. વેદથી લોકો પરિચિત નથી તો ઉપનિષદોથી કયાં પરિચિત હોય? વેદોની ઉચ્ચ વિચારધારા ઉપનિષદોમાં ઝીલાય અને તે થઇ ઇન્ડિયન ફિલોસોફી.  લોકજાગૃતિ માટે મોટા પાયે કશુંક થવું જોઇએ.

એ જ રીતે યોગાસન કરતા લોકો થયા પરંતુ યોગની ફિલોસોફી બહુધા લોકો જાણતા નથી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની સમજ એ થયો પૂર્ણ યોગ. એક પ્રસંગનું સ્મરણ થાય છે. અમેરિકાના લોસએંજલસમાં મારાં પ્રવચનો ચાલતાં હતાં. એક દિવસ એક અમેરિકનનો ફોન આવ્યો અને મને કહ્યું કે, તમે યોગ પર એકાદ કલાકનું વકતવ્ય આપી શકશો?

ફોન પર દિવસ, સમય નકકી થયા અને મેં યોગ એન્ડ હેલ્થ યોગ અને સ્વાસ્થ્ય વિષય પણ આપ્યો. ફોન પર અમારી વાત ચાલે જ છે એટલે મેં પૂછયું કે શ્રોતા કોણ હશે? જવાબ મળ્યો કે હું છેલ્લાં ૧૯ વર્ષથી યોગ કેન્દ્ર ચલાવું છું. અમેરિકનો શ્રોતા રહેશે. મેં તરત જ કહ્યું કે હું યોગનું તત્ત્વજ્ઞાન – યોગની ફિલોસોફી પર બોલીશ. નિર્ધારિત દિવસે જયારે સભાખંડમાં પ્રવેશું છું ત્યારે વ્હાઇટ અમેરિકનો હાથમાં પુસ્તક લઇને બેઠા હતા. આવા લોકો જ યોગની ફિલોસોફીને વિશ્વમાં પહોંચાડશે. આપણે જાગીશું?

To Top